ગુજરાત
News of Wednesday, 19th May 2021

નેનાવા ચેકપોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરતા બે પરપ્રાંતીયો ઝડપાયા : 32.86 લાખનો મુદામાલ જપ્ત

ગાડીના ચાલકની તલાશી લેતા તેની કમરમાં બાંધેલો બેલ્ટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું

બનાસકાંઠાની નેનાવા ચેકપોસ્ટ પરથી ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્શો ઝડપાઈ ગયા છે. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે રાજસ્થાનથી મહેન્દ્રા એક્સયુવી ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈને ગુજરાતમાં ઘૂસતા બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી કુલ 32.86 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોવાથી અહીં અનેક વાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બૂટલેગરો અંજામ આપતા હોય છે જેમાં સામાન્ય દારૂથી લઈને ડ્રગ્સ અને હથિયાર સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપતા બુટલેગરોને પોલીસે રંગે હાથ ઝડપ્યા છે.

આજે ધાનેરા પાસે આવેલી નેનાવા ચેકપોસ્ટ પરથી પણ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે ધાનેરા પોલીસ આજે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક XUV ગાડી પર શંકા જતા તેને થોભાવી આવી હતી અને આ ગાડીના ચાલકની તલાશી લેતા તેની ફાંટ ( કમરમાં બાંધેલો બેલ્ટ ) માંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

જેથી પોલીસે તરત જ ગાડીના ચાલક અને રાજસ્થાનના કોઝા ગામનો રહેવાસી સુરેશકુમાર લાધુરામ વિશ્નોઈ અને પાબુરામ સદારામ વિશ્ર્નોઇની અટકાયત કરી હતી તેમજ 246 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને ગાડી સહિત કુલ 32.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ બન્ને શખ્સો સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો નોંધી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે અંગે પણ ધાનેરા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મારામારી શરૂ થયા બાદ છેલ્લા સવા વર્ષમાં ડ્રગ્સની હેરાફેરી નો આ પાંચમો ગુન્હો નોંધાયો છે અગાઉ પણ અમીરગઢ બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વો ઝડપાયેલા છે, અને બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ આ બાબતે હંમેશા સતર્ક રહે છે

(11:54 pm IST)