ગુજરાત
News of Sunday, 19th May 2019

પાણી મુદ્દે પ્રજાને સાથે રાખી કોંગ્રેસ જનઆંદોલન છેડશે

લોકોની વેદના સાંભળી પ્રદેશ પ્રમુખની ચીમકી : અમિત ચાવડા સહિતના નેતાઓ વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઇને પાણીના મુદ્દે રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ અને આગેવાનો રાજયના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઇ પાણીના મુદ્દે સ્થાનિક જનતા વેઠી રહેલી હાલાકી અને વેદનાની જાતમાહિતી મેળવી રહ્યા છે અને આ અંગેનો સમગ્ર રિપોર્ટ તૈયાર કરી કોંગ્રેસ ભાજપ સરકારને સાણસામાં લેવાની તૈયારી કરી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આજે દાહોદ જિલ્લાના ખરોડ, ડોકી સહિતના ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાં પગપાળા ચાલી વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક જનતાની ખાસ કરીને પાણીના મુદ્દે મહિલાઓની વેદના અને કફોડી હાલતની સ્થિતિનો તાદ્રશ્ય ચિતાર મેળવ્યો હતો. ગુજરાતની જનતા પાણી માટે વલખાં મારી રહી હોવાની સ્થિતિને લઇ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની આ આંધળી અને બહેરી સરકારના કાને કોંગ્રેસ જનતાના દુઃખ અને વેદનાની આ વાત પહોંચાડશે. આગામી વિધાનસભા સત્રમાં પણ કોંગ્રેસ આ મુદ્દો જોરશોરથી ઉઠાવશે. જરૂર પડયે કોંગ્રેસ પાણીના મુદ્દે જનતાને સાથે રાખી રાજયવ્યાપી જનઆંદોલન પણ છેડશે. લોકસભા ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થયા હોઇ હવે પરિણામોનો સમય નજીકમાં હોઇ કોંગ્રેસ ફરી એકવાર દેશમાં સત્તાનું સુકાન સંભાળશે તેવી આશા પણ ચાવડાએ વ્યકત કરી હતી.  કોંગ્રેસના નેતાઓ રાજયના જુદા જુદા વિસ્તારોમાં ફરી પાણી મુદ્દે રિયાલિટી ચેક અને સાચી પરિસ્થિતિની જાત માહિતી મેળવી રહ્યા છે અને તેનો વિગતવાર અહેવાલ તૈેયાર કરી રહ્યા છે. ગઇકાલે પણ પાટણ જિલ્લામાં અછતમાં પાણી અને ઘાસચારાની બૂમરાણને પગલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પાટણ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ચાવડાએ ભાજપ પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા પીવાનું પાણી પ્રજાને આપવાનું આયોજન નિષ્ફળ ગયું છે. લોકો પાણી માટે તરસી રહ્યા છે. તેના માટે હું ભાજપ સરકારના નિષ્ફળ આયોજનને જ જવાબદાર ગણું છું. કોંગ્રેસના નેતાઓ દ્વારા ત્રણ દિવસ દરમિયાન રાજ્યના ગામોમાં પ્રવાસ કરી પાણીની સમસ્યાવાળા ગામોનો રિપોર્ટ તૈયાર કરશે. અને જો સરકાર પાણીની સમસ્યા હલ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા પ્રજાને સાથે રાખી ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે. ગઇકાલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સિંગોતરિયા, અનવરપૂરા,કોડધા,તારાનગર, ફતેગંજ,ગામોના લોકોની વેદના સાંભળી હતી.

કોંડધામાં ૫૦ ઉપરાંત મહિલાઓએ તળાવમાં ખાડો બનાવી પાણી ઉપાડીને ભરવું પડે તેવી સ્થિતિ સામે આવી હતી. દરમ્યાન આજે અમિત ચાવડા સહિતના નેતાઓ દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ફર્યા હતા અને પગપાળા ચાલી સ્થાનિક મહિલાઓ અને અસરગ્રસ્ત લોકોની પાણીના મુદ્દે વેદના સાંભળી હતી. લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા હોઇ તેમણે ભારે ખેદ અને ચિંતા વ્યકત કર્યા હતા અને રાજયમાં પાણીની અછત અને ભાજપ સરકારના અણઘડ આયોજનને લઇ પ્રહારો કર્યા હતા અને આગામી દિવસોમાં પાણી મુદ્દે પ્રજાને સાથે રાખી રાજયવ્યાપી જનઆંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

(8:03 pm IST)