ગુજરાત
News of Sunday, 19th May 2019

કાર ડિવાઇડર સાથે ટકરાતાં બે લોકો કરૂણ મોતથી સનસનાટી

અંબાજી હડાદ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ :અમદાવાદનો પરિવાર અંબાજી દર્શન કરીને અમદાવાદ પરત ફરતો હતો ત્યારે કારને અકસ્માત નડ્યો : અહેવાલ

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદનો એક પરિવાર આજે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે  પોશીના ખાતે અંબાજી-હડાદ હાઇવે પર તેમની વેગન આર કારને ગંભીર અને ગમખ્વાર અકસ્માત નડયો હતો. જેમાં એક મહિલા અને સાત વર્ષીય બાળકીનું કરૂણ મોત નીપજયુ હતુ, જયારે અન્ય પાંચ જણાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. વેગન આર કારનું ચાલુ ડ્રાઇવીંગ દરમ્યાન અચાનક સ્ટીયરીંગ લોક થઇ જતાં કાર ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઇ ગઇ હતી. કારમાં સવાર અને અકસ્માતમાં ઇજા પામેલા પાંચ જણાંને અંબાજીની કોટેજ અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. બનાવની જાણ થતાં હડાદ પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજી-હડાદ માર્ગ પર આજે બપોરે એક વેગેનઆર કાર રોડ સાઇડનાં ડિવાઇડર સાથે અથડાતાં સર્જાયેલા જોરદાર ગંભીર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો. અમદાવાદ પાસીંગની કાર જીજે-૨૭-એપી-૯૧૧૦નું સ્ટીયરીંગ  લોક થતાં ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શક્યો ન હતો. જેને પગલે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં લક્ષ્મીબહેન કૌશલ અને સાક્ષી કૌશલનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય પૂજાબેન (ઉ.વ. ૨૮), રાજકમલ (ઉ.વ.૩૦), નિલકમલ (ઉ.વ.૩૨), સોનમબેન (ઉ.વ.૨૫) અને રિતિકા (ઉ.વ.૩) એમ પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઇ હતી. અમદાવાદનો કૌસલ પરિવાર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે હડાદ નજીક મચકોડા પાસે કાર રોડ સાઇડનાં એક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને નજીકની અંબાજીની કોટેજ હોસ્પિટલ લઇ જવાયા હતા. જેમાં ચારને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જયારે મહિલા અને બાળકીના મૃતદેહને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ માટે લઇ જવાયા હતા. આ બનાવ અંગે હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(7:58 pm IST)