ગુજરાત
News of Sunday, 19th May 2019

કરજણ હાઇવે પર હોટલ પાસે ત્રણ મિત્રો વચ્ચે નજીવી બાબતે મારામારી :એક મિત્રની હત્યા

મિત્રની હત્યા બાદ બંને હત્યારા મિત્રો સિવિલ હોસ્પીટલ માં સારવાર અર્થે આવતા પોલીસે દબોચી લીધા

કરજણ નજીક ની હોટલ પાસે ત્રણ મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મારામારી થતાં બે મિત્રો એ એક સંપ થઈ ત્રીજા મિત્ર નું ઢીમ ઢાળી દીધા બાદ સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પીટલમાં આવતા પોલીસે બંને હત્યારા મિત્રોને ઝડપી પાડ્યા હતા.

આ ઘટનામાં કરજણ ના નેશનલ હાઈવે પર ની એક હોટલ નજીક ત્રણ મિત્રો રોહિત,ઋત્વિકસીંગ અને રાજુ વચ્ચે કામકાજ બાબતે બોલાચાલી થયા બાદ મારમારી થતાં રોહિત અને ઋત્વિકસીંગ એ ભેગા મળી રાજુને માથા ના ભાગે માર મારતા તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેને સારવાર માટે પ્રથમ પાલેજની હોસ્પીટલ ખાતે ખસેડતા ફરજ પર ના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો

 .મરણ જાહેર કરતા જ હત્યારા બંને મિત્રો પણ ઈજા ગ્રસ્ત હોવાનું નાટક કરી ભરૂચની સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે આવતા ભરૂચ સીવીલ હોસ્પીટલના ફરજ પરના પોલીસકર્મીઓએ બંને હત્યારા આરોપીઓને દબોચી લઈ કરજણ પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં રાજુની હત્યા બંને મિત્રો એ જ કરી હોવાનું ખુલવા પામ્યું હતું.

બનાવ સંદર્ભે કરજણ પોલીસે રોહિત અને ઋત્વિકસીંગ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(5:47 pm IST)