ગુજરાત
News of Saturday, 19th May 2018

ધોરણ-૧૦નું પરિણામ ૨૪ મેએ જાહેર થવાની શકયતા

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના : વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જોઈ શકશે

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ પરીક્ષાનું પરિણામ ર૪ મેના જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની  www.gseb.org વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકશે. ધોરણ-૧૦ના પરિણામને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના અને ઇન્તેજારી જોવા મળી રહી છે.     જો કે, આ વર્ષે ધોરણ-૧૦માં ગણિત વિષયનું પેપર ખૂબ અઘરૂ નીકળ્યું હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ રાતા પાણીએ રડયા હતા, જેની સીધી અસર ધોરણ-૧૦ના પરિણામ પર પડે તેમ હોઇ બોર્ડ સત્તાવાળાઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીઓને ૧૨ માર્ક્સ સુધીના ગ્રેસીંગ માર્ક્સ આપવામાં આવે તેવી પણ શકયતા છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કંઇક અંશે રાહત મળે. તો સાથે સાથે ધોરણ-૧૦નું બોર્ડનું પરિણામ પણ ઉંચુ લાવી શકાય.  ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહ એટલે કે તા.૩૦ મે સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ૧.ર૦ કરોડ ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામ બનાવવાની કામગીરી ચાલુ છે. ધોરણ-૧૦નું પરિણામ તા.૨૪મી મેના રોજ જાહેર થવાની શકયતા છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ www.gseb.org  વેબસાઇટ પર આ પરિણામ જોઇ શકશે. તા.૧ર માર્ચ, ર૦૧૮ના દિવસે ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા શરૂ થઇ હતી. જેમાં કુલ ૧૭ લાખ ૧૪ હજાર ૯૭૯ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં ધો. ૧૦ના ૧૧ લાખ ૩ હજાર ૬૭૪ વિદ્યાર્થી અને ધોરણ-૧ર સામાન્ય પ્રવાહના ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત રાજ્યના ૧પ૪૮ કેન્દ્ર પર ૧૭,૧૪,૯૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાં અમદાવાદ શહેરમાં કુલ ૧,૧૪,૮૮૦ વિદ્યાર્થીઓ, અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧૦ના ૬૯,૩૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં ૩ર,૯૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ-૧૦માં ૭ ઝોન અને ૩૭ કેન્દ્ર તથા ર૩૯ પરીક્ષા સ્થળો, ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં પ ઝોન, ૩૧ કેન્દ્ર અને ૧૧૭ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાઇ હતી.

(7:21 pm IST)