ગુજરાત
News of Saturday, 19th May 2018

અસામાજિક તત્ત્વોએ ગરીબ આવાસના ૩૫૦ મકાનોમાં ધૂસી જઈ કબજો જમાવી દીધો

અમદાવાદ, તા.૧૯: શાહપુરમાં જયુપિટર મિલ કમ્પાઉન્ડ તૈયાર કરાયેલ ગરીબો માટેના આવાસોમાં ખાલી મકાનોમાં તાળાં તોડીને અસામાજિક તત્વો દ્વારા મકાનો પચાવી પાડવામાં આવ્યાં છે અને મકાનો ખાલી કરવા ધમકી અપાતી હોવા અંગે સ્થાનિક કોર્પોરેટરે ફરિયાદ કરી છે. મ્યુનિ. અધિકારીઓને સાથે રાખીને ચેકિંગ કરાવવા અને પગલાં લેવાની સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણભાઇ પટેલે ખાતરી આપી છે.

કોર્પોરેટર ફાલ્ગુની શાહના વડપણ હેઠળ સ્થાનિક રહીશોએ અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો હોવા અંગે કમિશનર મુકેશકુમાર અને ચેરમેન પ્રવીણ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. શાહપુરમાં જયુપિટર મિલ કમ્પાઉન્ડમાં ગનીની કીટલી સામે બનેલા ઈડબ્લ્યૂએસ. હેઠળ ૫૧૨ મકાનોમાં ૧૫૦ વિસ્થાપિતો રહે છે. પરંતુ ૩૫૦ મકાનો ખાલી છે. આ ખાલી મકાનોમાં તાળાં તોડીને અસામાજિક તત્વોએ કબજો જમાવી દીધો છે.

આ પ્રકારે ગેરકાયદે રહેતા લેભાગુ તત્વોને કારણે વિવિધ સમસ્યાઓ સર્જાય છે અને આ મુદ્દે એસ્ટેટ- ટીડીઓ વિભાગમાં, મ્યુનિ. કમિશનર, મ્યુુનિ. સત્ત્।ાવાળાઓ સમક્ષ અગાઉ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી. આમ છતાં કોઈ પગલાં લેવાયાં નથી.

આ અંગે પ્રવીણ પટેલે કહ્યું કે, આગામી સપ્તાહમાં ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓને સાથે રાખીને આ મકાનોનો રાઉન્ડ લેવાશે તેમજ પુરાવા ચેક કરીને લેભાગુ તત્વોને ખદેડી દેવાશે.

(2:40 pm IST)