ગુજરાત
News of Monday, 19th April 2021

અમદાવાદમાં પરણીતાએ સાસરીયાનાં ત્રાસથી કંટાળી દોઢ વર્ષની પુત્રીને ગળેફાંસો આપીને પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પતિ સહિત સાસરીયાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ: મૃતક પરિણિતાના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : ઈસનપુર વિસ્તારમાં રહેતી પરિણિતાએ તેના પતિ સહીત સાસરીયાઓના રોજ બરોજના શારીરીક અને માનસિક ત્રાસના કારણે રવિવારે રાતના સમયે તેની દોઢ વર્ષીય દિકરીને ગળેફાંસો આપી હત્યા કરી બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બીજી બાજુ ઈસનપુર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે પતિ સહિત સાસરીયાના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. જ્યારે મૃતક પરિણિતાના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઈસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારના સમયે માતાએ દોઢ વર્ષીની દીકરી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હોવાથી ઈસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંન્નેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપી તપાસ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે, માતા નિમિષાએ તેની દીકરીને ગળેફાંસો આપી ત્યારબાદ તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસે આ ઘટના બાદ તપાસ હાથધરી ત્યારે એવુ સામે આવ્યુ હતુ કે, નિમિષાનો પતિ સહીત સાસરીયાઓ અવાર નવાર નિમિષા સાથે ઝઘડો કરીને ત્રાસ આપતા હતા. બીજી બાજુ નિમિષાનો ઘર સંસાર ન બગડે તે માટે તે મુંગા મોઢે બધુ સહન કરતી રહી હતી. જો કે રોજ રોજના ત્રાસથી તંગ આવીને નિમિષાએ સાસરીયાના વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ સાસરીયાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે ઘટના પછી પતિ સહીત સાસરીયાઓએ નિમિષા સાથે સમાધાન કરીને તેને સારી રીતે રાખીશુ તેમ કહીને પરત સાસરીમાં લઈ આવ્યા હતા.

ત્યારબાદ પણ અવાર નવાર ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. દરમિયાન નિમિષાએ એક દિકરીને જન્મ આપ્યો હતો જે સાસરીયા અને પતિને ગમ્યુ ન હોવાથી વધુ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ ગત રવિવારે પણ નિમિષા અને તેના પતિ તથા સાસરીયા વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં તેઓ બધા પોત પોતાના રૂમમા જતા રહ્યા હતા. બીજી બાજુ નિમિષાએ તેની દોઢ વર્ષની દીકરીને ગળેફાંસો આપી હત્યા કરી દીધી હતી. બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની ઈસનપુર પોલીસને જાણ થતા પોલીસે હત્યા અને દુષપ્રેરણાનો એમ બે અલગ અલગ ગુના તથા અલગ અલગ ફરીયાદ કરીને સાસરીયાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

(7:39 pm IST)