ગુજરાત
News of Monday, 19th April 2021

સુરતમાં હિટ ઍન્ડ રન કેસમાં ઉદ્યોગપતિ અતુલ વેકરિયાની ધરપકડ

સુરતઃ સુરત શહેરના વેસુમાં થોડાક દિવસો પહેલા અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ નશાની હાલતમાં કાર હંકારી એક યુવતીને અડફેટે લીધી હતી જેથી તે જમીન પર પટકાતા તેનું મોત થયું હતું. આ બનાવને લઈ ઉદ્યોગપતિ અતુલ વેકરિયાની પોલીસે હીટ એન્ડ રન કેસમાં ધરપકડ કરી છે.

હીટ એન્ડ રન કેસમાં અતુલ વેકરિયાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે,જો કે, કોરોના ગાઈડલાઈન પ્રમાણે તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેનો સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસના સંકજાથી બચવા માટે અતુલ ફરાર હતો. જો કે, આરોપી અતુલ વેકરિયાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માંગતા કોર્ટે 9 મેંના રોજ સુનાવણીની તારીખ નક્કી કરી હતી.તે દરમિયાન અચાનક અતુલ વેકરિયા ઉમરા પોલીસ મથકે હાજર થતાં તેના રિમાન્ડ મેળવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.

શું હતો મામલો

26 માર્ચની રાત્રે વેસુમાં અતુલ બેકરીના માલિક આરોપી અતુલ વેકરીયાએ દારુના નશામાં કાર હંકારી બે સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉર્વશી નામની યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું.

આ કેસની પ્રાથમિક તપાસમાં પોલીસે કલમ 304 (અ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે આરોપી અતુલ વેકરિયાને જામીન મળી જતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જો કે બાદમાં પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 304 લગાવીને તેના જામીન રદ્દ કરાવ્યા હતા. જે બાદ પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી. અતુલ વેકરિયાના ફરાર થયાના એક સપ્તાહ વીતવા છતાં તે પોલીસ પકડથી દૂર રહ્યો હતો. પોલીસે તેની શોધખોળ માટે અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા, પરંતુ તેની કોઈ ભાળ મળી નહતી.

(5:25 pm IST)