ગુજરાત
News of Monday, 19th April 2021

પંચમહાલ જીલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમિષા સુથારને કોરોનાઃ અનેક લોકોના સંપર્કમાં ચૂંટણી પ્રચારમાં આવ્‍યા હતા

ગોધરા: રાજ્યના પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર શનિવારે જ મતદાન સંપન્ન થયું છે, ત્યારે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપ ઉમેદવાર નિમિષાબેન સુથારને સામાન્ય લક્ષણો જણાંતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. આથી નિમિષાબેન કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થાય છે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસોને જોતા મોરવા હડફ અને ગાંધીનગર મનપાની ચૂંટણીઓ રદ્દ કરવાની માંગ ઉઠી હતી. જો કે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરની ચૂંટણી રદ્દ કરી હતી, પરંતુ મોરવા-હડફની પેટાચૂંટણીમાં કોઈ ફેરફાર કર્યો નહતો.

જણાવી દઈએ કે, મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે શનિવારે યોજાયેલા મતદામાં 42.60 ટકા વોટિંગ નોંધાયું હતું. અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટના જાતિ પ્રમાણપત્ર પર ઉભા થયેલા સવાલને લઈને મે-2019માં તેમને ધારાસભ્ય પદ પર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ આ બેઠક પર પેટાચૂંટણી જરૂરી થઈ હતી. આ મુદ્દા પર તેમની અપીલ ગુજરાત હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. જે બાદ જાન્યુઆરીમાં ખરાબ સ્વાસ્થ્યના પગલે ભુપેન્દ્રસિંહ ખાટનું નિધન થઈ ગયું હતું.

આ પેટાચૂંટણીમાં 2013થી 2017 સુધી આજ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષા સુધાર સહિત ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના ઉમેદવાર નિમિષા સુથારનો મુકાબલો કોંગ્રેસ ઉમેદવાર સુરેશ કટારા અને અપક્ષ ધારાસભ્ય સુશીલાબેન મૈડા સાથે છે.

(5:01 pm IST)