ગુજરાત
News of Monday, 19th April 2021

ગુજરાતમાં લોકડાઉનની તૈયારી ? સાંજે જ નિર્ણય ?

ગૃહમંત્રી શાહે લોકડાઉનની સત્તા રાજ્‍યોની સોંપવાની જાહેરાત કરતા રૂપાણી સરકારે પણ તૈયારી શરૂ કરી હોવાની ચર્ચા : રાજ્‍ય સરકાર હાલ લોકડાઉનના જમા-ઉધાર પાસાની સમીક્ષા કરી રહી છેઃ સાંજે કોર કમિટીની મિટીંગમાં મહત્‍વનો નિર્ણય લેવાય તેવી શક્‍યતા

રાજકોટ તા. ૧૯: ગુજરાતમાં બેફામ બનીને ધૂણી રહેલા કોરોનાને કાબુમાં લેવા માટે હવે લોકડાઉન જ વિકલ્‍પ બાકી બચ્‍યો હોઇ સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી શાહે લોકડાઉન લાદવાની સત્તા રાજ્‍યોને સોંપ્‍યા બાદ રૂપાણી સરકાર પણ રાજ્‍યમાં લોકડાઉન લાદવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે. હાલ સરકાર લોકડાઉનના જમા-ઉધાર પાસાની સમીક્ષા કરી રહી છે અને સાંજે મળી રહેલી કોર કમિટીની મિટીંગમાં આ અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્‍યતા છે.

અત્રે એ નોંધનીય છે કે, કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જ અસરકારક ઉપાય છે તેવું તબીબો અને વેપારી મંડળોએ રાજ્‍ય સરકારને સૂચન કર્યા બાદ અને રાજ્‍યમાં અનેક શહેરો અને ગામડાઓમાં સ્‍વયંભૂ લોકડાઉન શરૂ થતા હવે પ્રજા પણ લોકડાઉન ઇચ્‍છી રહી છે તેવું ગણીને રાજ્‍ય સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.

અત્રે એ પણ નોંધનીય છે કે, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, દિલ્‍હી સહિતના રાજ્‍યોએ કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉનનો આશરો લીધો છે. ત્‍યારે હવે રાજ્‍ય સરકાર પણ લોકડાઉનનો નિર્ણય લ્‍યે તેવી શક્‍યતા છે. અત્‍યાર સુધી સરકાર લોકડાઉન લાદવા નનૈયો ભણતી હતી પરંતુ જે રીતે કેસ અને મૃત્‍યુઆંક વધી રહ્યા છે તે જોતા હવે લોકડાઉન જ એક ઉપાય હોવાનું સ્‍વીકારી સરકાર ત્‍વરીત નિર્ણય લે તેવી શક્‍યતા છે.

(3:29 pm IST)