ગુજરાત
News of Monday, 19th April 2021

કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ? વિપક્ષી નેતા પરેશ ધાનાણી

'ખુરશીની ઘાણી, પ્રજા સલવાણી' શિર્ષક હેઠળ ટ્વિટર પર ફરી મુખ્યમંત્રી પર કર્યો કટાક્ષ

ગાંધીનગર,તા. ૧૯: ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજયમાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાએ સરકારની સ્વાસ્થ્ય સુવિધાની પોલ ખોલી નાંખી છે, ત્યારે વિપક્ષ નેતા ધાનાણી પણ સતત રાજયની રુપાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને રૂપાણી સરકારને આડેહાથ લીધી છે.

પરેશ ધાનાણીએ ખુરશીની ઘાણી, પ્રજા સલવાણી' શિર્ષક હેઠળ કરેલા પોતાના ટ્વીટમાં રાજયમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કાળમુખા કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે. હાલ ઈન્જેકશન, ઓકિસજન, ડોકટરો અને બેડની અછતથી લોકો મોતને ભેટી રહ્યાં છે. એવામાં શું મોતનું તાંડવ રચીને માત્ર મુખ્યમંત્રીને બદલવાનું બહાનું શોધાઈ રહ્યું છે?

જણાવી દઈએ કે, અગાઉ પણ કોંગ્રેસ નેતા રાજયમાં કોરોનાની ગંભીર સ્થિતિનો સામનો કરવા માટે સરકારની તૈયારી પર સવાલ ઉઠાવી ચૂકયાં છે. તાજેતરમાં જ પરેશ ધાનાણીએ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ઘ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમાં પાટીલ ઉપરાંત સુરતના ધારાસભ્ય હર્ષ સંદ્યવી પાસે સુરત સ્થિત ભાજપ કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઈન્જેકશનના વિતરણ મુદ્દે જવાબ માંગવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા દ્વારા દાખલ અરજીમાં ફાર્મસી એકટ,૧૯૪૯ની કલમ-૪૨નું ઉલ્લંઘન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(12:05 pm IST)