ગુજરાત
News of Monday, 19th April 2021

કેનાલમાં કૂદીને જિંદગી ટૂંકાવવા માગતા વ્યક્તિનો જીવ બચ્યો

આપઘાતએ કોઈ સમસ્યાનું સમાધાન નથી : આપઘાત કરવા માટે પહોંચેલા ગાંધીનગરના વ્યક્તિએ જીવન આસ્થાનું બોર્ડ જોઈને આપઘાત કરવાનું માંડી વાળ્યું

ગાંધીનગર,તા.૧૮  : આપઘાતએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. આપણે અવારનવાર સરકારી હૉર્ડિંગ્સમાં કે પછી જાહેરાતોમાં આ ઉક્તિનો પ્રચાર જોઈએ છીએ. પરંતુ જીવનથી નાસીપાસ થયેલા લોકો માટે અંતિમ ઉપાય ન સૂઝવાથી તેઓ પડતું મૂકીને જિંદગી ટૂંકાવી લેતા હોવાનો બનાવો સામે આવ્યા છે. જોકે, આપઘાત નિવારવા માટે સરકાર દ્વારા જે જાગૃતિ આપતા હૉર્ડિંગ મૂકવામાં આવે છે તે ખરેખર કેટલા ઉપયોગી? આ સવાલનો જવાબ આપણને આ રૂવાંડા ઉભા કરી નાખતી ઘટનામાંથી મળશે. હકિકતમાં બન્યું એવું છે કે ગાંધીનગર નજીક આવેલી અડાલજ કેનાલ પાસે શુક્રવારે રાત્રે આપઘાત કરવા માટે પહોંચેલા ગાંધીનગરના એક વ્યક્તિએ જીવન આસ્થાનું બોર્ડ જોઈને આપઘાત કરવાનું માંડી વાળ્યું હતું .આ વ્યક્તિએ હેલ્પલાઈન પર ફોન કરીને પોતાની વ્યથા ઠાલવી હતી . એક તરફ જીવન આસ્થા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું . બીજી તરફ મેસેજ આપતા અડાલજ પોલીસની બે ગાડી ઘટના સ્થળે સાવચેતી માટે પહોંચી ગઈ હતી અને તેમને સમસ્યાનો ઉકેલ લાવવા સમજાવ્યો હતો. ગાંધીનગરના એક વિસ્તારમાં રહેતાં રહીશ શુક્રવારે રાત્રે ગાડી લઈને અડાલજ કેનાલ પર પહોંચ્યા હતા. કોરોના ને પગલે આર્થિક સમસ્યા અને પત્ની સાથે ઝઘડાઓ ના પગલે કંટાળેલા રહીશે આપઘાત કરવા માટે અહીં પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીનગર પોલીસ દ્વારા ચાલતી જીવન આસ્થા હેલ્પલાઈનનું બોર્ડ જોયું હતું, જેમાં 'આપઘાત એ સમસ્યાનું નિવારણ નથી'નું લખાણ હતું . એક તરફ જીવન આસ્થા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું.

બીજી તરફ મેસેજ આપતા અડાલજ પોલીસની બે ગાડી ઘટના સ્થળે સાવચેતી માટે પહોંચી ગઈ હતી . જેમાં દોઢ કલાક સુધી આ વ્યક્તિ સાથે વાતચીત કરીને તેને આપઘાત ન કરવા અને સમસ્યાઓ ઉકેલ માટે પ્રયત્નો કરવા માટે સમજાવ્યા હતા. જીવન આસ્થા હેલ્પલાઈનના લાયઝન અધિકારી પી . સી . વલેરાએ કહ્યું હતું કે , કોરના કાળના સમયમાં આર્થિક સંકડામણ , કૌટુંબિક સમસ્યાઓ તથા વિવિધ કારણોસર મદદ માટે કોલની સંખ્યામાં વધારો થયો છે . હાલમાં રોજના ૯૦ થી ૧૦૦ કોલ્સ આવે છે , જેઓનું જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

(8:59 pm IST)