ગુજરાત
News of Friday, 19th April 2019

વાપીમાં વ્યાજે લીધેલ પૈસા પરત નહી આપે તો વ્યાજખોરે પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી

વાપી:દમણ નગરપાલિકાના કાઉન્સિલર સામે વ્યાજે આપેલા રૂ.૫૦ લાખની સામે રૂ.૨૨ કરોડની રકમ નહીં ચુકવે તો પરિવારને ઉઠાવી જવાની ધમકી આપવાના મામલે તલાસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પુત્રીના લગ્ન માટે પૈસાની જરૂરિયાત હોવાથી માસિક ૧૦ ટકા લેખે તલાસરીના કાજલી ખાતે રહેતા વેપારીએ લીધેલા પૈસાનું દમણ પાલિકાના કાઉન્સિલર દ્વારા પ્રતિદિન ૧૦ ટકા લેખે વ્યાજ ગણી રૂ.૨૨ કરોડની વસુલાત માટે પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

વાપીના ચલા અને હાલ મહારાષ્ટ્રના તલાસરી ખાતે આવેલા કાજલી ખાતે રહેતા તેમજ જમીનની લે-વેચનો ધંધો કરતાં ઉપેન્દ્ર રામજીભાઈ રાય દ્વારા દમણ નગરપાલિકાના કાઉન્સિલર સલીમ અનવર બારબાટીયા વિરૂદ્ધ ગઈકાલે તલાસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવાયું છેકે ગત એપ્રિલ, ૨૦૧૮માં તેમની પુત્રી રીયાના લગ્ન હોવાથી તેઓને પૈસાની જરૂરિયાત હોવાથી તેઓએ દમણમાં ફાયનાન્સનો ધંધો કરતાં સલીમ બારબાટીયા પાસેથી માસિક ૧૦ ટકા લેખે રૂ.૫૦ લાખ મેળવ્યા હતા. જોકે રૂ.૫૦ લાખની અવેજમાં ઉપેન્દ્ર રાયે મહારાષ્ટ્રના દિંડોશી ખાતે આવેલો ફ્લેટનો કબ્જો સોંપ્યો હતો. 

(5:59 pm IST)