ગુજરાત
News of Friday, 19th April 2019

મંગળવારે ગુજરાતના ૭ મોટા માથાઓના ભાવિ મત મશીનમાં પૂરાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને ૪ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ભરતસિંહ, તુષાર ચૌધરી, મનસુખ વસાવા, મોહનભાઈ કુંડારિયા, રાજ્યના મંત્રી પરબતભાઈ પટેલ માટે પ્રતિષ્ઠાનો જંગ

રાજકોટ, તા. ૧૯ :. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદાન આડે હવે માત્ર ૩ દિવસ બાકી રહ્યા છે. મંગળવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થનાર છે. ૨૬ બેઠકો માટે ૩૭૧ જેટલા ઉમેદવારો મેદાને છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જણાય છે. ૯ જેટલા ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા છે. જે ધારાસભ્ય જીતે તે બેઠક પર ધારાસભાની પેટાચૂંટણી આવશે. બન્ને પક્ષના સંગઠનના ટોચના હોદેદાર અથવા માજી કેન્દ્રીય મંત્રી કક્ષાના ૭ મોટા માથા ચૂંટણીના મેદાનમાં છે. તેમનુ ભાવિ મંગળવારે મત મશીનમાં કેદ થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગાંધીનગરથી લડી રહ્યા છે. તેઓ લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડે છે. વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમરેલી બેઠકમાં ઝુકાવ્યુ છે. ૪ પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ પણ મેદાને છે. જેમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી (આણંદ) અને તુષાર ચૌધરી (બારડોલી) તથા ભાજપના મનસુખ વસાવા (ભરૂચ) અને મોહનભાઈ કુંડારિયા (રાજકોટ)નો સમાવેશ થાય છે. રાજ્યના રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી લડી રહ્યા છે.

ઉપરાંત સિનીયર સાંસદો ડો. કિરીટ સોલંકી, નારણભાઈ કાછડિયા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ, સી.આર. પાટીલ, કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજુ પરમાર, સિનીયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, માજી સાંસદો સોમાભાઈ પટેલ, જગદીશ ઠાકોર, પૂર્વ ઉચ્ચ અધિકારી એ.જે. પટેલ વગેરે પણ ઉમેદવાર તરીકે રણ મેદાનમાં છે.

શારદાબેન પટેલ, પૂનમબેન માડમ, ભારતીબેન શિયાળ, રેખાબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, દર્શનાબેન જરદોશ ભાજપ વતી તથા કોંગ્રેસના ગીતાબેન પટેલ સહિત ૭ મહિલાઓએ લોકસભાના જંગમાં ઝુકાવ્યુ છે. આ તમામનુ રાજકીય ભાવિ તા. ૨૩મીએ મત મશીનમાં પુરાશે.

(12:27 pm IST)