ગુજરાત
News of Friday, 19th April 2019

કોંગ્રેસ પાટણ અને મહેસાણાની બેઠકો 1-1 લાખથી જીતશે : હાર્દિક પટેલે આઈબીના કથિત રિપોર્ટને ટાંકીને કર્યો દાવો

ઉત્તર ગુજરાતમાં રોજગારી માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પાટણના બલીસરા ગામમાં પાર્ટીના ઉમેદવાર માટે મતો માગ્યા હતા. આ દરમિયાન હાર્દિકે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, IB નો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં કહેવાયું છે કે કોંગ્રેસ પાટણ અને મહેસાણાની બેઠકો 1-1 લાખથી જીતવા જઇ રહ્યું છે, પરંતુ કોઇએ ફોર્મમાં આવી જવાની જરૂર નથી અને સવા-સવા લાખથી જીતવાની છે. હાર્દિકે વધુમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને કહી દેવાનું છે કે ઉત્તર ગુજરાતના યુવકો અને ખેડૂતો હવે જાગૃત થઇ ગયા છે.

આ ઉપરાંત હાર્દિક પટેલે બેરોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, ઉત્તર ગુજરાતમાં રોજગારી માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને 7 દિવસમાં કોંગ્રેસ માટે 50 સભાઓ યોજાનાર છે અને તે માટે કોંગ્રેસ તરફથી હાર્દિક પટેલને હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે.

(8:46 pm IST)