ગુજરાત
News of Thursday, 19th April 2018

દાણીલીમડામાં નજીવા મામલે થયેલ ઝઘડામાં ૭ ઉપર હુમલો

પોલીસે છ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી : સાજીદખાન તેના મિત્રો સાથે જિમથી કસરત કરી બહાર નીકળતો હતો ત્યારે બાકરહુસૈન, તેના લોકોએ હુમલો કર્યો

અમદાવાદ,તા. ૧૯ : શહેરના દાણીલીમડા વિસ્તારમાં જીમમાં કસરત કરવાની બાબતે બે યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવકે તેના મિત્રો સાથે મળી બીજા યુવક અને  તેના ભાઇ સહિત સાત જણાં પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાણીલીમડા વિસ્તારમાં વારીસ મહોલ્લામાં રહેતા ૨૭ વર્ષીય સાજીદખાન સમીરૂલ્લાખાન પઠાણ મંગળવારની રાત્રે સ્થાનિક જીમમાં કસરત કરવા ગયો હતો. જયાં સઇદખાન અનીસખાન પઠાણ, શોએબ, બાકરહુસૈન સહિતના યુવકો પણ એકસરસાઇઝ કરતા હતા. એક્સરસાઇઝ કરવા બાબતે અગાઉ પર સાજીદખાન અને બાકરહુસૈન વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને બંને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતું હતું. આ અદાવતમાં બાકરહુસૈને સાજીદખાનને બિભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો અને બંને વચ્ચે વાત વણસે તે પહેલા અન્ય યુવકોએ મામલો શાંત પાડયો હતો. એ પછી બાકરહુસૈન જીમમાંથી નીકળી ગયો હતો અને બાદમાં સાજીદખાન તેના મિત્રો સાથે જીમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાકરહુસૈન શેખ, તેના મિત્રો મોહમંદસીદ્દીક રંગરેજ, મકસુદ અનવર શેખ, અજગર હુસૈન, અબ્દુલ મોહમંદહુસૈન મુનાફ, મુનાફ મોહમંદહુસૈન શેખ ઉભા હતા. સાજીદખાન અને તેના મિત્રો નીકળવાની ફિરાકમાં હતા ત્યારે અચાનક જ બાકરહુસૈન અને તેના મિત્રોએ તેમની પર હુમલો કરી દીધો હતો. બાકરહુસૈને પોતાની પાસેની છરી સાજીદખાનને હુલાવી દીધી હતી. બનાવની ખબર પડતાં સાજીદખાનનો ભાઇ જાવેદખાન અને અન્ય મિત્રો પણ ત્યાં દોડી આવ્યા હતા પરંતુ બાકરહુસૈનના માણસોએ તેમની પર પણ ગંભીર હુમલો કર્યો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, સાજીદખાન સહિતના ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સાજીદખાને દાણીલીમડા પોલીસમાં આરોપી બાકરહુસૈન અને તેના મિત્રો સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

(8:13 pm IST)