ગુજરાત
News of Thursday, 19th April 2018

એરપોર્ટ પરથી ૨૫.૨૫ લાખના વિદેશી ચલણ સાથે બે પકડાયા

ડીઆરઆઇ અધિકારીઓએ બંને પેસેન્જરોને ઝડપ્યા : બેંગકોક જતી ફલાઇટમાંથી ઝડપાયેલાઓે પાસેથી ડોલર, યુરો અને થાઇ ચલણ ઝડપાયું : ડીઆરઆઇની વધુ તપાસ

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ એરપોર્ટ પરથી બે પેસેન્જર આજે રૂ.૨૫.૨૫ લાખના વિદેશી ચલણ સાથે ડીઆરઆઇના અધિકારીઓ દ્વારા ઝડપાઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ બાતમીના આધારે આ બંને પેસેન્જરોને બેંગકોક જતી ફલાઇટમાંથી પકડી લીધા હતા અને તેમની જડતી દરમ્યાન રૂ.૨૫.૨૫ લાખના વિદેશ ચલણને જપ્ત કર્યું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ બંને પેસેન્જરોની પૂછપરછ કરી સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ડીઆરઆઇની તપાસમાં એવી પણ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે કે, આ બંને પેસેન્જર બેંગકોક ગયા બાદ ત્યાં ગોલ્ડનું સ્મગલીંગ કરવાના હતા અને તે પટે આ રકમ ચૂકવવવાના હતા. તેથી ડીઆરઆઇના અધિકારીઓએ આ સમગ્ર ચેઇનની કડીઓ મેળવવાની દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર આજે ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઇના અધિકારીઓએ સપાટો બોલાવ્યો હતો. જેમાં ડીઆરઆઇના અધિકારીઓએ બેંગકોક જતી ફલાઇટમાંથી પુરૂષોત્તમ રાજવી અને રાજકુમાર થાવરાણી નામના બે પેસેન્જરોને ઝડપી લીધા હતા. ડીઆરઆઇએ બંને પેસેન્જરોની પૂછપરછ કરતાં શરૂઆતમાં તો તેઓએ તેમની પાસે કંઇ નહી હોવાનું જણાવ્યું હતુ પરંતુ તેમની આકરી પૂછપરછ કરતાં તેમની પાસેથી રૂ.૨૫.૨૫ લાખની કિંમતનું ડોલર, યુરો અને થાઇનું ચલણ મળી આવ્યું હતું. ડીઆરઆઇના અધિકારીઓએ આ વિદેશી ચલણ જપ્ત કરીને બંને પેસેન્જરોની વિરૂધ્ધ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

(8:13 pm IST)