ગુજરાત
News of Thursday, 19th April 2018

જજ લોયા કેસ મામલે સુપ્રીમ કોર્ટના આજે નિર્ણય બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે 'સત્યનો વિજય થયો - કોંગ્રેસનું જુઠ્ઠાણું લોકો સામે છત્તું થઈ ગયું છે!'

ગાંધીનગર : સીબીઆઇ વિશેષ કોર્ટના જજ લોયા મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા બાદ પ્રતિક્રિયા આપતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સત્યનો વિજય થયો હોવાનું કહી કોંગ્રેસ સામે પ્રહાર કર્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, શરૂઆતથી આ કેસમાં કોંગ્રેસ દ્વારા ખોટી વાતો કરાતી હતી. ભાજપા અધ્યક્ષ અમિત શાહને સંડોવણીને લઇને ખોટો વિવાદ ઉભો કરાયો હતો. 

સીબીઆઇ વિશેષ કોર્ટના જજ લોયા મોત કેસમાં સ્વતંત્ર કેસ ચલાવવા અંગે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજીઓ રદ કરતાં આ અંગે ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી રદ કરવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, સત્યનો વિજય થયો છે.

અહીં નોંધનિય છે કે, સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરનાર સીબીઆઇની વિશેષ અદાલતના જજ રહી ચૂકેલા સ્વ. બી એચ લોયાના કથિત શંકાસ્પદ મોતની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ સાથેની તમામ અરજીઓને ગુરૂવારે સુપ્રીમ કોર્ટે રદ કરી છે. આ અરજીઓમાં એસઆઇટી તપાસની માંગ કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા અને ન્યામૂર્તિ એ એમ ખાનવિલકર અને ડી વાઇ ચંદ્રચૂડની પીઠે 16 માર્ચે આ અરજી પર પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે.

 

(3:54 pm IST)