ગુજરાત
News of Sunday, 19th March 2023

નર્મદામાં નાણાપંચના કાર્યોમાં ગુણવત્તા જળવાતી નથી:શાળાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી :સાંસદ મનસુખભાઈ વસાવા

- નર્મદામાં વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખો:વસાવાની અધિકારીઓને કડક સુચના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટીયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું.એ બેઠકમા ઉપસ્થિત ભાજપ સાંસદ મનસુખભાઈ  વસાવાએ નર્મદા જીલ્લાના વિકાસનાં કામોની ગુણવતા પર પ્રશ્ન ઉઠાવી વિકાસ કાર્યોમાં ગુણવતા જળવાય એનું ધ્યાન રાખવા અધિકારીઓને સુચના આપી હતી.

નર્મદા કલેકટર કચેરી ખાતે કલેકટર શ્વેતા તેવટીયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળી હતી.જેમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ  વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુંસાબેન વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમા ભાજપ સાંસદ મનસુખભાઈ  વસાવાએ ખાસ કરીને વન વિભાગ હસ્તકના કાર્યો, જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના રોડ, રસ્તાના કાર્યો વિશે ધ્યાન દોર્યું હતું.તેમજ વાસ્મો વિભાગના 'નલ સે જલ' યોજનામાં મોસીટ, દાભવણ, માલસામોટ સહિતના વિસ્તારના વિવિધ ગામમો પીવાનું પાણી આવતું નથી એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.સાથે સાથે આ ગામોમા ઉનાળાની ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પીવાના પાણીને લઈને પ્રજાજનોને કોઈ તકલીફ ન પડે તેનું સતત મોનીટરિંગ કરવા અધિકારીઓને સુચના આપી હતી.
ભાજપ સાંસદ મનસુખભાઈ  વસાવાએ બેઠકમા નાણાપંચના કાર્યોમાં ગુણવત્તા જળવાતી નથી, એમાં ગુણવત્તા આવે એ માટે સંલગ્ન અધિકારીને ખાસ સુચના આપી હતી.સરકારી શાળાઓ તથા ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી એવી શાળાઓનો સર્વે કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને જિલ્લાના તમામ વિભાગના વિકાસના કાર્યો, બાંધકામ અને અન્ય કાર્યોમાં ગુણવત્તા જળવાય એ માટે સંબંધિત અધિકારીઓને કડક સુચના આપી હતી

(10:09 pm IST)