ગુજરાત
News of Sunday, 19th March 2023

સુરતમાં બાળમજૂરી કરવા મજબુર સગીરનું બિલ્ડીંગ પરથી પટકાતા મોત :કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી

સગીર અલથાણ વિસ્તારમાં રાજહંસ ક્રેમોની 12 બાળની બિલ્ડિંગમાં નવ નિર્મિત સાઇટમાં કામ પર લાગ્યો હતો

સુરતના અલથાણ વિસ્તારમાં રાજહંસ ક્રેમોના કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા એક 16 વર્ષના કિશોરનું પહેલા માળેથી પટકાતા મોત નીપજ્યું છે. કિશોરના મોત બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલા કિશોરને કોઈપણ પ્રકારની સેફટી આપવામાં આવી ન હતી. આ ઉપરાંત 16 વર્ષના કિશોરને નોકરી પર કઈ રીતે રાખ્યો તે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ આ મામલે અલથાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

સિવિલ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનમાં આવેલ પ્રતાપગઢ જિલ્લાના બોરીપી ગામનો વતની કલ્પેશ ચરપોટા રોજગારી અર્થે એક વર્ષ અગાઉ સુરત આવ્યો હતો. અને તે અલથાણ વિસ્તારમાં રાજહંસ ક્રેમોની 12 બાળની બિલ્ડિંગમાં નવ નિર્મિત સાઇટમાં કામ પર લાગ્યો હતો. અને અહી તે બ્રેકર મશીનથી સ્લેબ તોડવાનું કામ કરતો હતો.ત્યારે ગતરોજ બપોરના સમયે તે બિલ્ડિંગની બહારની સાઈડના છજજુ તોડવાનું કામ કરી રહ્યો હતો તે સમયે પહેલાં માળેથી નીચે પટકાયો હતો. જેથી ઇજાગ્રત હાલતમાં કિશોરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા ટૂંકી સારવારને અંતે કિશોરનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ કિશોરના પરિવારજનો અને સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

 

16 વર્ષના કિશોરને કામ પર રાખી કોઈપણ સેફટી વગર કામ કરાવવામાં આવતા આજે તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ઘટના બાદ કોન્ટ્રાક્ટર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.16 વર્ષના કિશોરને બાળ મજૂરી પર લાવી સેફટી વગર કામ કરાવામાં આવતા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવે છે. ઘટનાને પગલે અલથાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

કિશોરના મોતની ઘટના બાદ આદિવાસી સમાજના આગેવાન અને મજૂર વર્ગમાં પણ કોન્ટ્રાક્ટરો સામે રોષ ફાટી નીકળ્યો છે અને જણાવ્યું હતુ કે આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી સુરત કામકાજ ખાતે આવતા મજબૂર લોકોને કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરીના કામ પર લઈ જવામાં આવે છે પરંતુ હેલ્મેટ બુટ, સેલ્ફી બેટ, જેવી કોઈપણ સુરક્ષાના સાધનો ન આપી બે રહેમી પૂર્વક કામ કરાવી રહ્યા છે.ત્યારે આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

(6:42 pm IST)