ગુજરાત
News of Sunday, 19th March 2023

અમિત શાહ સોમનાથ મંદિર જશે. જ્યાં તેઓ દાદાના દર્શન કરી પુજા અને અર્ચન કરી સોમનાથ મંદિર ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે

- બપોરે 2 વાગ્યે અમિત શાહ સોમનાથ મંદિર જશે બાદ અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

ગાંધીનગરઃ  ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. મહત્વનું છે કે જુનાગઢ, સોમનાથ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને વિકાસ કાર્યોનુ લોકાર્પણ કરશે. અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 11: 30 વાગ્યે જુનાગઢની મુલાકાતે જશે, જ્યાં APMC કિસાન ભવનનું ઉદ્ધાટન કરશે અને કૃષિ શિબિર પણ યોજશે. તો સાથે જ બેંક હેડક્વાર્ટરનો પણ શિલાન્યાસ કરશે.

બાદમાં બપોરે 2 વાગ્યે અમિત શાહ સોમનાથ મંદિર જશે.જ્યાં તેઓ દાદાના દર્શન કરી પુજા અને અર્ચન કરશે અને સોમનાથ મંદિર ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરી વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.જે બાદ અમિત શાહ સાંજે 5 વાગ્યે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતુ. આ નિઃશુલ્ક આહાર કેન્દ્રમાં 600 થી 700 લોકો ભોજન લઈ શકશે. જેમાં નિઃશુલ્ક આહાર કેન્દ્ર પર સવારે 11 થી બપોરે 1 અને સાંજે 6 થી 8 દરમિયાન ભોજન મળશે. જેમાં દર્દીઓ સાથે આવતા સબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.

(1:34 pm IST)