ગુજરાત
News of Saturday, 18th March 2023

ઉનાળુ વેકેશન થાય તે પહેલા મોટાભાગની ટ્રેનમાં વેઇટિંગ લીસ્‍ટ 50થી 300 સુધી પહોંચ્‍યુ

પેકેજ ટુર અને ટ્રાન્‍સપોર્ટ ભાડામાં વધારો થતા પ્રવાસીઓમાં પ્રથમ પસંદગી ટ્રેન

અમદાવાદ: ઉનાળાનું વેકેશન શરુ થાય તે પહેલા જ ટ્રેનમાં વેઇટિંગ શરૂ થઈ ચૂક્યું છે. એક મહિના બાદ એટલે કે 16 એપ્રિલ પછીની ટ્રેનમાં પણ વેટીંગ જોવા મળી રહ્યું છે. મોટા ભાગની ટ્રેનમાં વેઇટિંગ અત્યારથી 150 થી 200 ની વચ્ચે જોવા મળી રહ્યું છે. લખનઉ, દિલ્હી, મુંબઈ, હાવડા, કાનપુર, પટના, આગ્રા જતી ટ્રેનોમાં વેઇટિંગ વધુ જોવા મળી રહ્યું છે.

ગત વર્ષે શરુ કરવામાં આવેલી સમર સ્પેશિયલ ટ્રેનનું શિડ્યુલ લંબાવવામાં આવ્યું છે. આગામી સમયમાં જો વેઇટિંગ વધશે તો તેની સામે પણ સુવિધા ઉભી કરવામાં આવશે. અમદાવાદથી લખનઉ જતી ટ્રેનમાં એક મહિના પહેલાનું વેઇટિંગ 186, પટના જતી ટ્રેનનું વેઇટિંગ 100-180, પ્રયાગરાજ 70-90 વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

ઉનાળુ વેકેશનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંબા અંતરની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મળવી તો દૂર પણ સેકેન્ડ સ્લીપર ક્લાસમાં ઊંચા વેઇટિંગ લિસ્ટ જોઇને ચક્કર આવી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. ખાસ કરીને ઉત્તર ભારત તરફ ફરવા માટે યાત્રિકોનો ધસારો વધુ હોય તે રૂટની મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ 50થી 300 સુધી પહોંચ્યું છે. અત્યારે મોટાભાગની ટ્રેનોમાં જૂન પહેલા કન્ફર્મ ટિકિટ મળવી અસંભવ છે. જૂન માસના પહેલા અઠવાડિયા સુધી તમામ લાંબા રૂટની ટ્રેનો પેક હોવાનું જણવા મળે છે.

હાલ કોરોના અને ફ્લૂના કેસ સાથે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગેસ, તેલ, અનાજ, કઠોળ, પેટ્રોલ, ડિઝલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. આમ છતાં દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ અનુસાર ઉનાળા વેકેશનમાં ફરવા જવાના પ્લાન બનાવી રહ્યા છે. રાજકોટિયનો આ ઉનાળા વેકેશનમાં લોન લઈને પણ ફરવા જવા જાણે ઉત્સુક બન્યા છે તેવો ચિતાર ફ્લાઈટ, ટ્રેન, બસ, હોટેલ, રેસ્ટોરાંના બુકિંગ પરથી જોવા મળે છે.

ગુજરાતભરમાં થોડા દિવસોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. રાજકોટમાં અંદાજે 2 લાખ લોકો ઉનાળાના વેકેશનમાં ફરવા જતા હોય છે. આ વર્ષે મોંઘવારીના અસહ્ય માર વચ્ચે પેકેજ ટૂરમાં અંદાજે 20 ટકાનો જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ટ્રાન્સપોર્ટના ભાડા પણ વધારી દેવામાં આવ્યા છે. આ સાથે જ રહેવા-જમવા માટેની હોટેલ-રેસ્ટોરાં પણ મોંઘી બની છે એ સમયે સમર વેકેશનમાં હરવાફરવા જવા માંગતા રાજકોટિયનોએ ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે વધારે નાણાં ખર્ચવા પડશે.

(5:57 pm IST)