ગુજરાત
News of Saturday, 18th March 2023

અરવલ્લીમાં ૨ કલાકમાં ધનાધન ૫ ઇંચ વરસાદ ખાબકયોઃ તારાજીઃ પાકને નુકશાન

ભર ઉનાળે ચોમાસુ

અરવલ્લી, તા.૧૮: રાજ્‍યભરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્‍યારે અરવલ્લીના ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો. ચોમાસામાં ન પડેલો વરસાદ ભરઉનાળે ખાબકયો હતો. ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્‍યો સામે આવ્‍યા છે. મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે. ભરઉનાળે ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદથી ભારે નુકસાન પહોંચ્‍યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વરસાદને કારણે ગામમાં ૧૮૦૦ વીઘા ખેતરમાં પાકમાં મોટું નુકસાન પહોંચ્‍યું છે. ઘઉં સહિતના પાકો હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. ૫ ઈંચ વરસાદથી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર છે. ગઈકાલે કરા સાથે ભારે વરસાદ થતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે. માવઠા બાદ ઉમેદપુર ગામની જમીની હકીકતના દ્રશ્‍યો સામે આવ્‍યા છે.

બીજી બાજુ, સાબરકાંઠામાં પણ માવઠું થતાં ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે. માવઠાને લીધે તૈયાર ઘઉં, તમાકુ, ચણા, જીરુંના પાકમાં નુકસાનની ભીતિ છે. રાત્રે થયેલા માવઠાથી ઘઉં, ચણા, જીરુંનો પાક પલળ્‍યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનની દહેશત છે.

આ ઉપરાંત વરસાદને લીધે રસ્‍તા પર ખાડા પડવા અને રોડ પર ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. વડોદરામાં કમોસમી વરસાદમાં રોડ પર ભૂવા પડ્‍યાં છે. જ્‍યારે ડ્રેનેજ લાઈનના નબળા પુરાણમાં ખાડામાં ગાડી ફસાઈ હતી. ભાયલી હાઈ ટેન્‍શન રોડ પર ગાડી ફસાઈ હતી. ડ્રેનેજ લાઈનના નબળા પુરાણથી રોડ બેસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ, વરસાદને કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્‍યો સર્જાયા છે. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયાં છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંભોઈ ભિલોડા રોડ પર વરસાદી પાણી ભરાયાં છે. સુરજપુરા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ઘૂસ્‍યાં હોવાનું સામે આવ્‍યું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.

(3:46 pm IST)