ગુજરાત
News of Saturday, 18th March 2023

નવો ધડાકો

મહાઠગ અમદાવાદનો કિરણ પટેલ ૧૫ દિવસના રીમાન્‍ડ ઉપરઃ કાશ્‍મીરમાં તેમની સાથે ફરનાર બે ગુજરાતીઓના નામ ખુલ્‍યા

અમીત હિતેશભાઇ પંડયા અને મુળ મોરબીના હાલ અમદાવાદ જય સીતાપરા તેમની સાથે ફર્યા હતા : અગ્રણી હિતેષભાઇ પંડયાની અકિલા સાથે વાતચીતઃ મારા પુત્ર અમીતને સાક્ષી તરીકે લીધેલ છેઃ આરોપી તરીકે તેનું નામ નથી

રાજકોટ : કેન્‍દ્રના પીએમઓમાં એડીશનલ સેક્રેટરી તરીકે કાશ્‍મીરમાં ઝેડ પ્‍લસ સુરક્ષા કવચ મેળવી લાંબો સમય સરહદ સહિતના સ્‍થળોએ ઘુમનાર અમદાવાદના કિરણ પટેલને પોલીસે ૧૫ દિવસની રિમાન્‍ડ મેળવી તપાસનો ધમધમાટ આદર્યો છે ત્‍યારે તેની સાથે બીજા બે ગુજરાતી યુવાનો પણ હોવાનું ખુલ્‍યું છે. તેમના નામ અમિત હિતેષભાઇ પંડયા અને મોરબીના હાલ અમદાવાદ રહેતા મોટા ગજાના બિલ્‍ડર જય સિતાપરા હોવાનું હિન્‍દુસ્‍તાન અને એનડીટીવીના અહેવાલમાં જણાવાયું છે.

ગાંધીનગર ખાતે સી.એમ.ઓ. ઓફિસમાં ફરજ બજાવતા ટોચના અધિકારી અને મુળ રાજકોટના શ્રી હિતેશભાઇ પંડયાનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે, એ વાત સાચી છે કે મારો પુત્ર અમિત પંડયા શ્રીનગરમાં આરોપી કિરણ પટેલ સાથે હતો અને પોલીસે તેની પૂછપરછ કરી હોટલમાં રાખેલ છે. પરંતુ અમિતને આરોપી તરીકે પોલીસે કોઇ ધરપકડ કરી નથી પરંતુ સાક્ષી તરીકે લીધેલ છે.

શ્રી હિતેશભાઇ પંડયા પત્રકાર તરીકે અને વિહિપ અગ્રણી તરીકે મોટું નામ ધરાવે છે, તેમણે કહેલ કે અમિત અને કિરણ પટેલ વર્ષો પહેલા સાથે નોકરી કરતા. અમિત બીઝનેસ માટે ગયો હતો. કિરણે આંબાઆંબલી બતાવ્‍યા હશે તેમ માનું છે. આ કૌભાંડમાં તે કિરણ પટેલ સાથે નથી, પણ આ કેસમાં સાક્ષી તરીકે લીધો છે. પોલીસે પણ કહ્યું છે કે, જરૂર પડયે અમિત પંડયાને સાક્ષીમાં બોલાવીશું ત્‍યારે આવવાનું રહેશે. બે દિવસથી અમિતને શ્રીનગરની હોટેલમાં રાખેલ છે.

હિતેશભાઇ પંડયાએ વિશેષમાં કહેલ કે, જય સીતાપરા મૂળ મોરબીનો કડવા પાટીદાર યુવાન છે. હાલ અમદાવાદમાં ખૂબ મોટો બીઝનેસમેન છે. ટાટા એડીજીનો એજન્‍ટ છે અને તાતા તેના એજન્‍ટોને ૭ દિ' કાશ્‍મીર લઇ ગયા તેમાં સામેલ છે.

હિતેશભાઇએ વિશેષમાં કહેલ કે જય સીતાપરા શ્રીનગરમાં ફરતા હતા ત્‍યારે ગુજરાતીમાં વાતો કરતા હોય કિરણ પટેલ સાથે સ્‍વાભાવિક વાતચીત થયેલ અને સંબંધ બંધાયેલ. બીજી વખત કિરણ પટેલ શ્રીનગર આવ્‍યા ત્‍યારે જયને સાથે આવવા કહેતા તે પણ કિરણ સાથે શ્રીનગર આવેલ.

આ પછી કિરણ પટેલ સામે એફઆઇઆર થઇ અને પોલીસે તેને પકડી લીધેલ અને હાલ રીમાન્‍ડ ઉપર લીધેલ છે.

હિન્‍દુસ્‍તાન અખબારના કહેવા મુજબ રાજસ્‍થાનનો કોઇ ત્રિલોક નામનો શખ્‍સ પણ સાથે હતો.

શ્રી હિતેશભાઇએ અંતમાં કહેલ કે સમગ્ર બાબત અંગે પીએમઓ સહિત મારે જ્‍યાં જણાવવાનું હતું ત્‍યાં વિગતે જાણ કરી છે. તેમણે ભારપૂર્વક કહેલ કે, તેમના પુત્ર અમિત પંડયાને પોલીસે આરોપી તરીકે નહિ પરંતુ સાક્ષી તરીકે જ આ કેસમાં જોઇન્‍ટ કરેલ છે.

(3:43 pm IST)