ગુજરાત
News of Tuesday, 19th March 2019

સીએમ હાઉસમાં ભાજપની મિટિંગ થતાં કોંગ્રેસ લાલઘૂમ

કોંગ્રેસની આચારસંહિતા ભંગની ફરિયાદ : ફરિયાદને પગલે રાજ્ય ચૂંટણીપંચે તપાસનો આદેશ કર્યો

અમદાવાદ,તા. ૧૯ : ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવતાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સામે ચૂંટણી આચારસંહિતા ભંગ બદલની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ નોંધાવવામાં આવી છે, જેને લઇ ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. લોકસભા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ શરૂ થઇ ગયો છે. બંને પક્ષે એકબીજાની ભૂલ કે ચૂક શોધી તરત જ પ્રહાર કરવાની તક જવા દેવામાં આવતી નથી. આ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંગઠનના ચોક્કસ માણસોને આવી બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે કે જેથી ચૂંટણી આચારસંહિતના ભંગનો કોઇ મુદ્દો ધ્યાનમાં આવે કે તરત જ હરીફ પક્ષને સાણસામાં લઇ શકાય. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે બહુ મહત્વની કવાયત અને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચને ફરિયાદ કરી છે કે, લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા અમલમાં છે ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાન એ સરકારી મકાન છે જેમાં પક્ષ-રાજકીય પ્રવૃતિ કરી શકાય નહી. કોંગ્રેસે રાજય ચૂંટણીપંચને એવી ફરિયાદ કરી છે કે, મુખ્યમંત્રીનુ નિવાસ એ સરકારી મકાન છે. તેમને નિવાસ માટે અપાયેલુ છે એનો અર્થ એવો નથી કે, તેમાં રાજકીય પ્રવૃતિ થઇ શકે. તા.૧૭-૧૮મી માર્ચથી અહીં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે આચારસંહિતાનો ભંગ ગણાય. આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છે કે, આચારસંહિતા અમલમાં હોવા છતાંય ભાજપના સત્તાધીશો સરકારી મિલ્કતોનો દુરપયોગ કરી રહ્યાં છે. આ ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાન તો નોટિફાઇડ એરિયામાં છે. આ ફરિયાદને આધારે રાજ્ય ચૂંટણીપંચે ગાંધીનગર કલેક્ટરને સમગ્ર મુદ્દે તપાસ કરવા આદેશ આપ્યાં છે. ગાંધીનગર કલેક્ટર એસ.કે.લાંગાએ જણાવ્યું કે, ૨૪ કલાકમાં જ આ મામલે તપાસ કરી રાજ્ય ચૂંટણીપંચને અહેવાલ મોકલી આપવામાં આવશે. ગાંધીનગર કલેક્ટરે પણ આ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આજે પણ દિવસભર મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકોનો દોર જામ્યો હતો. આવતીકાલે પણ આ જ સ્થળે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવનાર છે. હવે રાજ્ય ચૂંટણીપંચ શુ પગલાં લે છે તેના પર સૌની નજર છે. જો કે, કોંગ્રેસની આ ફરિયાદને પગલે રાજકારણ ચોક્કસ ગરમાયું છે.

 

(9:37 pm IST)