ગુજરાત
News of Tuesday, 19th March 2019

ત્રિપદા ફાર્માના નવનીત વિરૂદ્ધ લાખોની છેતરપીંડીની ફરિયાદ

સોલા હાઇકોર્ટ પોલીસની ઠગાઈ મામલે તપાસ : પુત્રના લગ્નપ્રસંગની ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી સહિતની ઇવેન્ટ માટે ૧.૪૮ કરોડથી વધુનું બીલ બન્યું હતુ : રિપોર્ટ

અમદાવાદ,તા. ૧૯ : ત્રિપદા ફાર્માસ્યુટીકલ્સના માલિક નવનીત મોદી વિરૂધ્ધ લાખો રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં નોંધાઇ છે, જેને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. ત્રિપદા ફાર્માસ્યુટીકલ્સના માલિક નવનીત મોદીના પુત્રના લગ્નપ્રસંગની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી સહિતની ઇવેન્ટ માટે વેડીંગ સ્નેપર પ્રા.લિના તત્કાલીન સંચાલક અને ફોટોગ્રાફર તુષાર અજમેરા દ્વારા રૂ.૧.૪૮ કરોડથી વધુનું બીલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ નવનીત મોદી દ્વારા કરાર મુજબ સમગ્ર રકમની ચૂકવણી કરાઇ ન હતી અને ટુકડે ટુકડે રૂ.૬૫ લાખ જેટલી રકમ ચૂકવાઇ હતી પરંતુ બાકીના રૂ.૮૭.૪૭ લાખ ચૂકવવામાંથી હાથ ઉંચા કરી દેવાતાં આખરે તુષાર અજમેરાએ સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વેડીંગ સ્નેપર પ્રા.લિના તત્કાલીન સંચાલક અને ફોટોગ્રાફર તુષાર અજમેરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ, ડિસેમ્બર-૨૦૧૨માં ત્રિપદા ફાર્માસ્યુટીકલ્સના માલિક નવનીત મોદી(ત્રિપદા,બંગલા નં-૩૩, વેનેશીયાન વિલાસ, આનંદ નિકેતન સ્કૂલ સામે, શીલજ ચોકડી)એ તેમના પુત્રના લગ્નપ્રસંગની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી સહિતની ઇવેન્ટ માટે ઓર્ડર આપ્યો હતો, જે પેટે તુષારભાઇએ સમગ્ર પ્રસંગનો કુલ એસ્ટીમેટ રૂ.૧.૫ કરોડથી રૂ.૧.૬ કરોડ જેટલું આપ્યું હતું. નવનીતમોદીએ ફરિયાદી પાસેથીલગ્નનું કામ સારી રીતે કરી આપવા ખાતરી પણ લીધી હતી અને સમગ્ર પ્રસંગ બાબતે તેઓની વચ્ચે કરાર પણ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ કરાર મુજબ પ્રસંગનું કામ કરી આપ્યું હોવાછતાં નવનીત મોદી દ્વારા તેઓને ટુકડે ટુકડે રૂ.૬૫ લાખ જેટલી રકમ ચૂકવાઇ હતી પરંતુ બાકીના રૂ.૮૭,૪૭,૩૨૫ની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવતા હતા. ફરિયાદી દ્વારા વારંવાર આ બાકી રકમની માંગણી કરવામાં આવી હોવાછતાં નવનીતભાઇ મોદી તરફથી પેમેન્ટ કરાયું ન હતું. જેને પગલે તુષાર અજમેરાએ સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં નવનીત મોદી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(9:35 pm IST)