ગુજરાત
News of Tuesday, 19th March 2019

ધો. ૧૦ની પરીક્ષા પૂર્ણઃ પ્રશ્નપત્રો સહેલા-ઉંચુ પરિણામ !!

ગુજરાતી, વિજ્ઞાન-ટેકનોલોજી, ગણિત, સામાજીક, અંગ્રેજી અને આજે સંસ્કૃતનું પ્રશ્નપત્ર સરળ નિકળ્યુઃ માત્ર પાંચ ગુણનું ફેરવીને પૂછાતા છાત્રો મુંઝાયા'તા... ઉત્તરવહી ચકાસણીની કાર્યવાહી શરૂ થશે...મેના અંતમાં પરિણામ

રાજકોટ, તા. ૧૮ : છેલ્લા ૧૦ દિવસથી સમગ્ર ગુજરાત રાજયમાં પરિક્ષાનો માહોલ છવાયો હતો. આજે ધો.૧૦માં સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર સાથે ધો.૧૦ની પરીક્ષા પૂરી થઈ છે. પરીક્ષા પૂર્ણ થતાં માત્ર વિદ્યાર્થીઓ જ નહિં વાલીઓએ પણ રાહત મેળવી છે. છેલ્લા દોઢ વર્ષથી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતાં ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આજથી હળવાફુલ બની વેકેશનની  મજા માણી રહ્યા છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરીક્ષા તા.૭ માર્ચથી શરૂ થઈ હતી. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાં ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓએ ધો.૧૦ની પરીક્ષા અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧,૪૭,૩૦૨ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૩૩,૬૨૬ વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીની મહત્વની કસોટી આપી હતી.

વિદ્યાર્થીઓમાં શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કોઈ હાવ ન રહે તે માટે પરીક્ષાર્થીઓનું કાઉન્સેલીંગ, ઉષ્માભર્યુ સ્વાગત કરાવવામાં આવ્યુ હતું.

ધો.૧૦માં પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતી સાવ સરળ નીકળ્યુ હતું તો બીજુ પ્રશ્નપત્ર વિજ્ઞાન અને ટેકનોલોજીનું ૩ થી વધુ પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછયા હતા. ગણિત અને સામાજીક વિજ્ઞાનમાં પણ પેપરસેટરે વિદ્યાર્થીઓનું કૌશલ્ય ચકાસવા પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછયા હતા. જેના ઉત્તરો લખવામાં વિદ્યાર્થીઓ મૂંજાયા હતા. એકંદરે ૩ થી ૫ માર્કનું અઘરૂ પૂછ્યા બાદ મોટાભાગના પ્રશ્ન પાઠ્યપુસ્તક આધારીત સરળ અને સહેલા નીકળ્યા હતા. જેના ઉત્તરો પરીક્ષાર્થીઓએ ખૂબ શાંતિપૂર્વક અને વિશ્વાસથી આલેખ્યા હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ સહકાર પંચાયત, ઈતિહાસ, નામાના મૂળતત્વો, આંકડાશાસ્ત્ર, તત્વજ્ઞાન, સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય વ્યવહાર, સામાજીક વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને મનોવિજ્ઞાનના પ્રશ્નપત્રો તેમજ ધો.૧૨ સાયન્સમાં પણ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના પ્રશ્નપત્ર પણ એકંદરે સહેલા નીકળ્યા હતા.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના તમામ પ્રશ્નપત્રો પાઠ્યપુસ્તક આધારીત સહેલા નીકળતા વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ઉંચી આવવાની શકયતા જણાઈ રહી છે.

રાજકોટ સહિત ગુજરાતભરમાં મૂલ્યાંકન કેન્દ્રો ઉપર ઉત્તરવહી ચકાસણીનું કામ સમયસર ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ કામગીરી સંભાળતા હોય પરીક્ષાના પરિણામમાં થોડુ મોડુ થવાની શકયતા પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે મેના અંત સુધીમાં ધો.૧૦ અને ૧૨ના પરિણામ આવવાની શકયતા જણાઈ રહી છે.ધો.૧૦માં આજે સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર હતું. જે સહેલુ નીકળ્યાનું વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું.

(3:50 pm IST)