ગુજરાત
News of Tuesday, 19th March 2019

સી.એમ. બંગલે ભાજપ સંસદીય બોર્ડની બેઠકથી આચારસંહિતા ભંગ નહિઃ ચૂંટણી પંચને રીપોર્ટ

કલેકટર એસ.કે. લાંગાની તપાસ ટીમનું તારણઃ સરકારી રહેઠાણનો મતલબ સર્કીટ હાઉસ : કોંગ્રેસની ફરીયાદનું સૂરસૂરિયુઃ આજે'ય બંગલે બોર્ડ બેઠક યથાવત

રાજકોટ, તા. ૧૯ :. ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના સત્તાવાર બંગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૩ દિવસથી યોજાયેલ છે. જેમાં ઉમેદવાર પસંદગી માટે બેઠકવાર સુનાવણી થઈ રહી છે. ચૂંટણીલક્ષી પ્રવૃતિ માટે સરકારી બંગલાનો આ રીતે ઉપયોગ થવાથી ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થતો હોવાની ફરીયાદ કોંગ્રેસે બાલુભાઈ પટેલના નામથી કરેલ. તેના પગલે ચૂંટણી પંચે તપાસ કરી અહેવાલ આપવા જિલ્લા કલેકટર એસ.કે. લાંગાને આદેશ આપેલ. કલેકટરે જવાબદાર અધિકારીઓ મારફત તપાસ કરાવતા ફરીયાદમાં તથ્ય નહી હોવાનું તારણ નિકળ્યાનું આધારભૂત વર્તુળો જણાવે છે. આચારસંહિતાનો ભંગ થતો ન હોવાના મતલબનો અહેવાલ ચૂંટણી પંચને મોકલાયો છે.

જાણકાર વર્તુળોએ એવુ જણાવેલ કે, ભૂતકાળમાં અન્ય રાજ્યમાં આ પ્રકારની પ્રવૃતિ અને તેની ફરીયાદ થઈ તે વખતે ચૂંટણી પંચે આચારસંહિતા ભંગ ગણ્યો ન હતો. આચારસંહિતામાં જે સરકારી રહેઠાણ શબ્દનો ઉલ્લેખ છે તેનો મતલબ સરકારી ગેસ્ટ હાઉસ અને સર્કીટ હાઉસ પ્રકારના રહેઠાણ તેવો થાય છે. સરકારી રહેઠાણની વ્યાખ્યામાં મુખ્યમંત્રીના બંગલાને આચારસંહિતા ભંગની દ્રષ્ટિએ આવરી શકાય તેમ નથી. જ્યાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ૩ દિવસથી મળી રહી છે ત્યાં કોઈપણ પ્રકારનું બેનર લગાડવામાં આવેલ નથી તેમજ ત્યાંથી ચૂંટણી પ્રચાર થતો નથી. બંગલાનો ઉપયોગ માત્ર ચર્ચા માટે થાય છે. આચારસંહિતા ભંગ ન હોવાનું કલેકટરની તપાસનીસ ટીમનું તારણ છે.

આચારસંહિતા ભંગની કોંગ્રેસની ફરીયાદ વચ્ચે આજે પણ સી.એમ. બંગલે ભાજપની બેઠકોનો દોર ચાલુ છે. કલેકટર તંત્રના અહેવાલના આધારે ચૂંટણી પંચ શું નિર્ણય કરે છે ? તે જોવાનુ રહ્યું. કોંગ્રેસના વર્તુળો એવુ જણાવે છે કે, જો સી.એમ. બંગલે પાર્લામેન્ટરી બોર્ડ મળવાથી આચારસંહિતા ભંગ ન થતો હોય તો ભવિષ્યમાં વિધાનસભાના વિપક્ષી નેતાના સત્તાવાર બંગલાનો પણ આ રીતે ઉપયોગ કરવા કોંગ્રેસ પ્રેરાશે. ચૂંટણી પંચના હવે પછીના વલણ તરફ રાજકીય વર્તુળોની મીટ છે.

(3:31 pm IST)