ગુજરાત
News of Tuesday, 19th March 2019

રાજય : હાર્દિક પટેલનું પૂતળા દહન, હવે પત્રિકા વાયરલ થઈ

ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકારણ ગરમાયું : અમદાવાદ, ગાંધીનગર સહિત આઠ સ્થળે હાર્દિક પટેલનું પૂતળા દહન : પાટીદાર સમાજમાં હાર્દિક વિરૂદ્ધ આક્રોશ

અમદાવાદ,તા. ૧૮ : પાસના નેતા હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ સમગ્ર પાટીદાર સમાજમાં ધીરે ધીરે તેના તરફનો રોષ અને આક્રોશ વધી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ગઇકાલે પાસના સ્નેહમિલન કાર્યક્રમમાં હાર્દિક પટેલના ફોટા ફાડવા સાથે અલ્પેશ કથીરિયાના સમર્થકો સહિતના લોકોએ જોરદાર હોબાળો મચાવ્યા બાદ આજે પાટીદાર સમાજના નામે હાર્દિકના પૂતળા દહનની એક પત્રિકા વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. પાટીદાર સમાજના નામે વાયરલ થયેલી આ પત્રિકામાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત આઠ જગ્યાએ હાર્દિક પટેલનું પૂતળા દહનની વાત લખવામાં આવી છે પરંતુ કઇ તારીખે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પત્રિકામાં હાર્દિકને સમાજના ગદ્દાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ  કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક દરમિયાન પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો હતો. ત્યારથી પાટીદાર સમાજ તેને સમાજનો ગદ્દાર માને છે. કેટલાક પાટીદાર આગેવાનોએ હાર્દિકના કોંગ્રેસમાં જોડાતા રોષ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ એક પાટીદાર સમાજની એક પત્રિકા વાઈરલ થઈ છે. જેમાં લખ્યું છે કે સમાજના ગદ્દાર હાર્દિક પટેલનો પૂતળા દહનનો કાર્યક્રમ પટેલ સમાજ દ્વારા સાંજે ૫થી ૭ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે. આ પૂતળા દહન કાર્યક્રમ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, નિકોલ, કડી, સાબરકાંઠા, ન્યૂ રાણીપ, કલોલ, ઘાટલોડિયામાં રાખવામાં આવ્યો છે. પત્રિકામાં આ તમામ સ્થળોમાં કયા વિસ્તારમાં પૂતળા દહન રાખવામાં આવ્યું છે તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે પરંતુ કઇ તારીખે પૂતળા દહન છે, તેની સ્પષ્ટતા નથી. તે આજની તારીખનો કાર્યક્ર્મ પણ હોઇ શકે તેવું કેટલાક પાટીદારો માની રહ્યા છે. જો કે, પાટીદાર સમાજમાં હવે હાર્દિક સામે બહાર આવી રહેલા આક્રોશને લઇ લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.

 

(8:20 pm IST)