ગુજરાત
News of Monday, 19th March 2018

શનિવારે વડોદરામાં નવી કોર્ટનું ઉદ્ઘાટન થયું અને આજે ત્રીજા દિવસે વકીલો દ્વારા ટેબલની અપૂરતી વ્‍યવસ્‍થા મુદ્દે તોડફોડ

વડોદરાઃ શનિવારે નવી કોર્ટનું ઉદ્ઘાટન થયા બાદ આજે વકીલોઅે ટેબલની અપૂરતી વ્‍યવસ્થાથી નારાજ થઇને તોડફોડ કરતા દોડધામ મચી ગઇ હતી.

વડોદરા શહેરમાં 130 કરોડના ખર્ચે નવુ કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ કોર્ટ સંકુલનું ગત શનિવારે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉદ્ધાટન કર્યુ હતુ. આજે સોમવારે નવી કોર્ટનો પ્રથમ દિવસ હતો. કોર્ટ બિલ્ડિંગમાં વકીલના ટેબલ મુકવા માટે અપૂરતી વ્યવસ્થા હોવાથી વકીલોને કોર્ટમાં ટેબલ લઇ જતા રોકવામાં આવ્યા હતા. જેથી વકીલોએ કોર્ટ પરિસરમાં હોબાળો કરી મુક્યો હતો. એક તબક્કે વકીલો જજની ઓફિસમાં ધસી જઇને તોડફોડ કરી હતી જેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વકીલો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. ઘટનાને પગલે કોર્ટમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

(7:10 pm IST)