ગુજરાત
News of Wednesday, 19th February 2020

હાર્દિક મુશ્કેલીમાં : ફરીવાર બિનજામીનપાત્ર વોરંટ જારી

બોપલના કેસમાં સુનાવણી વેળા ગેરહાજર : લાપરવાહી દર્શાવીને સુનાવણીમાં હાજર ન રહેતા મુશ્કેલી

અમદાવાદ,તા. ૧૯  : જુદા જુદા કારણોસર હંમેશા વિવાદમાં રહેતા અને ચર્ચા જગાવતા રહેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. કારણ કે શહેરની મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તેની સામે કાર્યવાહી કરીને બિનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધું છે. તેની ફરીવાર ધરપકડ થાય તેવી શકયતા પણ દેખાઈ રહી છે. બોપલના ૨૦૧૭ના એક જૂના કેસની સુનાવણી દરમ્યાન હાર્દિક પટેલ  અદાલત સમક્ષ હાજર નહી રહેતાં મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે તેની ગંભીર નોંધ લઇ હાર્દિક પટેલ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.   ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે વર્ષ ૨૦૧૭માં બોપલમાં જાહેરસભા અને એક રેલી કરી હતી. પરંતુ બોપલમાં ૨૦૧૭માં જાહેર સભા અને રેલી યોજવાની જરૂરી પોલીસ મંજૂરી લેવાઇ ન હતી, જેના કારણે હાર્દક પટેલ તથા અન્યો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં લાંબા સમયથી હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહી રહેતા મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે નોન બેલેબલ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું.

         તાજેતરમાં જ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના ભડકાઉ ભાષણના કેસમાં કોગ્રેસ નેતા હાર્દિક પટેલના આગોતરા જામીનની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. પાટીદાર અનામત આંદોલન વખતે તોડફોડ અને મારામારીના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી હાર્દિક પટેલે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીના અંતે હાઈકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી હતી. ત્યારબાદ આજે મીરઝાપુર કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ બોપલના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં તેની મુશ્કેલી વધી છે. અગાઉ પણ સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક વિરૂધ્ધ વોરંટ જારી થયેલા છે. હાર્દિક પટેલ થોડાક સમય પહેલા અનામત આંદોલનને લઈ ગુજરાતની રાજનીતિમાં ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદથી અનેક ઉશ્કેરણીજનક ભાષણો આપવાના લીધે વિવાદમાં રહ્યો છે.

(9:55 pm IST)