ગુજરાત
News of Wednesday, 19th February 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી:આદિવાસીઓએ સમસ્યાઓ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને ઉદ્દેશીને લેખિત રજુઆત કરી

આદિવાસી સમુદાય અને પર્યાવરણનો જે વિનાશ થઈ રહ્યો છે તે પણ જાેતાં જજો,

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે ભૂમિપૂજન થયું ત્યારથી લઈ લોકાર્પણ થયું ત્યાં સુધી એ વિસ્તારના આદિવાસીઓ પોતે આ પ્રોજેકટમાં ગુમાવેલી જમીનો, સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા સહિત અનેક મુદ્દે લડત ચલાવી રહ્યા છે.પરંતુ એમના પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય એમ લાગતું નથી.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ્યારે પણ મોદીનો, ગુજરાતના મુખ્યમંત્રીનો અથવા કોઈપણ મંત્રીનો કાર્યક્રમ હોય એ દરમીયાન આદિવાસીઓ પોતાની માંગ મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા હોય છે.હવે તેઓ પીએમ મોદી,ગુજરાતના સીએમ રૂપાણીને રજુઆત કરીને થાકી ગયા હોય એમ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે પી.એમ મોદીનો છેદ ઉડાવી સીધો જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લેખિત રજુઆત કરી પોતાની સમસ્યા ઓ મુદ્દે ભારત અને ગુજરાત સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાની માંગ કરી છે.
  ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ઘણા વખતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્થાપીતો સાથે લડત લડતા ડો.પ્રફુલ્લ વસાવા,ડો. શાંતિકર વસાવા,લખન મુસાફિર, શૈલેન્દ્ર તડવી સહિત મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસી ઓ રાજપીપળા ગાંધીચોક ખાતે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે.તેઓની માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળ નોટિફિકેશન તુરંત રદ કરો.અને હવે વિકાસના નામે આદિવાસીઓ પાસેથી જમીનો છીનવી લેશો નહિ, અહીંયા સ્થાનિકોને રોજગરીમાં પ્રાથમિકતા આપો.તમામ આગેવાનોએ પીએમ મોદી, ગુજરાત સીએમ રૂપાણીનો છેડ ઉડાવી સીધા જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સમસ્યાઓનું સમાધાન માટે મધ્યસ્થી કરવા લેખિત રજુઆત પણ કરી છે.
  એમણે જણાવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે જયારેે તમે ભારત આવી રહયા છો ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેનાથી આદિવાસી સમુદાય અને પર્યાવરણનો જે વિનાશ થઈ રહ્યો છે તે પણ જાેતાં જજો, જાણતાં જજો અને મદદ કરતાં જજો. UNO ( યુનાઇટેડ નેશન્સ) પણ માને છે કે જો આ દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવવી હોય તો આદિવાસી જીવનશૈલી દરેક મનુષ્યએ અપનાવવી પડશે.ભારત દેશમા જયાં જયાં આદિવાસી રહે છે ત્યાં તેમણે પર્યાવરણને સાચવી રાખ્યું છે.ભારત માટે શરમજનક વાત એ છે કે કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર આજે આદિવાસી જીવનશૈલીને ભુલી આંધળા વિકાસ પાછળ દોડી રહી છે.

 દુનિયાની સૌથી મોટી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આદિવાસી સમુદાય અને પર્યાવરણ માટે ખતરારૂપ બની રહી છે.અને આદિવાસીઓ આ ગંભીરતા અંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંવાર લેખિત રજુઆતો કરી ચુક્યા છે.પરંતુ ભારત દેશનું શાસન- પ્રશાસન આદિવાસી જીવનશૈલી અને પર્યાવરણનું મહત્વ સમજતી ના હોય અમે આદિવાસી લોકો આપને વિનંતી કરીએ છીએ કે તમે અમેરીકા રાષ્ટ્રપ્રમુખ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જે આદિવાસીઓનો વિનાશ - પર્યાવરણને નુકસાન અને આદિવાસી ઓના બંધારણીય અધિકારો ખતમ થઈ રહયાં છે, જુઠ્ઠા વિકાસના નામે આદિવાસીઓની જમીનો અમારા જ દેશની સરકારો દ્વારા લૂંટવામાં આવી રહી છે.એ અંગે ભારત દેશની સરકાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસી ઓના ગંભીર સમસ્યાઓ બાબતે તમે મધ્યસ્થી બનો તેવી અમારી પ્રાર્થના છે.

(8:04 pm IST)