ગુજરાત
News of Tuesday, 19th February 2019

ઓનલાઇન NAને લઇ વિપક્ષ નેતા ધાનાણીના આકરા પ્રહારો

ભાજપ સરકારમાં આખો રૂપિયો કોણ ગળે છે : ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચકમક રાજીવ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતાં વિપક્ષનો વિરોધ

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાત રાજ્યમાં ઓનલાઈન એનએ અંગે આજે ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચારનાં આરોપો કરી ભાજપ-કોંગ્રેસ દ્વારા રાજકીય નિવેદનબાજી કરવામાં આવી હતી. જેને લઇ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ચકમક અને ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારને લઇ ગંભીર આક્ષેપો કરતાં પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, બાજપ સરકારમાં આખો રૂપિયો કોણ ગળી જાય છે ? દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં મહેસુલ અને ગૃહ વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગેના નિવેદનનો બચાવ કરતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિવેદન કર્યુ... તેની સામે વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો કોણ ગળી જાય છે.. પહેલા તે કહો, પછી બીજી વાત કરો. ગુજરાત વિધાનસભામાં આજે ગૃહમાં પ્રશ્નોત્તરીની શરૂઆતમાં જ ભ્રષ્ટાચારનાં મુદ્દે રાજકીય આક્ષેપબાજી કરવામાં આવી હતી. આકોટાનાં ધારાસભ્ય સીમા મોહિતએ રાજ્યમાં ઓનલાઈન એનએ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેનાં જવાબમાં મહેસુલ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લોકોને ઓનલાઇન એનએથી ધક્કા ખાવાનાં બચવા સાથે વચેટીયાઓનો ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. પરંતુ કેટલાક વિરોધીઓએ તેનો વિરોધ કર્યો છે. તો કોંગ્રેસના ત્રણ જિલ્લા પંચાયતનાં પ્રમુખોએ કોર્ટમાં અરજી કરી છે. તેની સામે કોંગ્રેસનાં સભ્યો પુંજા વંશ અને અનિલ જોષીયારાએ કહ્યું કે, રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ કબુલ્યું છે કે મહેસુલ અને ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમારાં મુખ્યમંત્રી તો ખૂબ જ ભોળા છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષનાં સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારમાં એક રૂપિયામાંથી માત્ર ૧૫ પૈસા જ લાભાર્થી પાસે પહોંચે છે. નીતિન પટેલના આ આરોપને લઇ વિપક્ષના ધારાસભ્યોમાં જોરદાર નારાજગી ફેલાઇ હતી. ખાસ કરીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો જ ખવાઇ જાય છે. આ રૂપિયો કોણ ગળી જાય છે. તે કહોને... આ વખતે બંને પક્ષે સામસામા આરોપો સાથે રાજકીય આક્ષેપબાજી અને નિવેદનને લઇ ગૃહમાં ગરમાગરમીનું વાતાવરણ સર્જાયું હતું.

(9:42 pm IST)