ગુજરાત
News of Tuesday, 19th February 2019

પશ્ચિમ ઝોન : ૭૫૦ કરોડના રોડના કામોનો હિસાબ નથી

કરોડો રૂપિયાના કામનો હિસાબ ટલ્લે ચઢતાં વિવાદ : કરોડોના રોડના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો : આગામી દિવસોમાં ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમ બને તેવા સંકેતો

અમદાવાદ,તા. ૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરીતિ સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે કે જગજાહેર બાબત છે. આમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની કોન્ટ્રાક્ટર સાથેની સાઠગાંઠ ખૂલી પડીને અગાઉના કમિશનર દ્વારા શો-કોઝ નોટિસ પણ ફટકારાઇ હતી, પરંતુ છેવટે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. બીજીબાજુ, પશ્ચિમ ઝોનમાં છેલ્લાં પાંચ વર્ષના રૂ.૭પ૦ કરોડના રોડના કામનો હિસાબ જ અધ્ધરતાલ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં અમ્યુકો વર્તુળમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. કરોડો રૂપિયાના કામનો હિસાબ ટલ્લે ચઢતાં અમ્યુકો વધુ એક વિવાદમાં સપડાયું છે. અમ્યુકો તંત્ર દ્વારા ખાસ કરીને રોડનાં કામમાં હજુ પણ ગુણવત્તા જળવાતી નથી તેવી ભાજપના સભ્યોની ફરિયાદો વચ્ચે પશ્ચિમ ઝોનમાં છેલ્લાં પાંચ વર્ષના રોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ હોવાનો મામલો મ્યુનિસિપલ વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યો છે. શહેરના સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં દર વર્ષે રોડ રિસરફેસિંગ, પેચવર્ક અને નવા રોડના કામ પાછળ અંદાજે રૂ.૧પ૦ કરોડ ખર્ચાય છે એટલે છેલ્લાં પાંચ વર્ષમાં સરેરાશ રૂ.૭પ૦ કરોડના રોડનાં કામ થયાં છે. પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા આ કામ કરાવતી વખતે કયા કામ માટે કયા કોન્ટ્રાક્ટરને કેટલી રકમનું ફાઇનલ બિલ ચૂકવાયું તેની વિગત પદ્ધતિસર તૈયાર કરવી પડે છે, જેમાં જે તે વોર્ડની વોર્ડદીઠ રોડના કામ અને તે માટે કરાયેલા પેમેન્ટની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે. આ તમામ કામો પૈકી ફાઇનલ બિલ કેટલાં બનાવાયાં છે તેની વિગત પણ તૈયાર કરવી ફરજિયાત છે, જો કે, કરોડો રૂપિયાની ચુકવણી ફાઇનલ બિલ મારફતે કરાઇ હોવા છતાં આ બાબતે સક્ષમ સત્તાધીશો હજુ સુધી અંધારામાં જ છે. ઇજનેર વિભાગને તત્કાળ પૂર્ણ માહિતી નિશ્ચિત સમયમર્યાદામાં રજૂ કરવા અંગે તંત્ર દ્વારા વારંવાર તાકીદ કરાઇ છે તેમ છતાં આટલી ગંભીર બાબતની ઇજનેર વિભાગ દ્વારા સાદી નોંધ પણ લેવાઇ નથી તેવું મ્યુનિસિપલ વર્તુળો કબૂલી રહ્યા છે. દરમ્યાન રોડનાં કામના કરોડો રૂપિયાની ચૂકવણી અને તેના હિસાબ મામલે ખુદ શાસકોને અંધારામાં રખાયા છે. રોડ-બિલ્ડિંગ કમિટીના સભ્યોએ ચેરમેન રમેશ દેસાઇ પાસે પણ કેટલા રોડનાં કામ થયાં તેની માહિતી નથી. આમ, કરોડો રૂપિયાના રોડના કામોના હિસાબો અધ્ધરતાલ રહેતાં હવે તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ગંભીર આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા થઇ રહ્યો છે. જેને લઇ હવે અમ્યુકો શાસકો વધુ એક નવા વિવાદમાં સપડાયા છે. આગામી દિવસોમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમાય તેવી શકયતા છે.

(9:40 pm IST)