ગુજરાત
News of Tuesday, 19th February 2019

પાંચ વર્ષમાં ૧.ર૦ લાખ યુવાનોને સરકારે નોકરી આપીઃ ૭૭૮૦૦ને કૌશલ્ય તાલીમ અપાશે

રૂ. ૧૦ માં ભોજનની અન્નપૂર્ણા યોજનોના ૮૭ લાખથી વધુ શ્રમિકોને લાભ

ગાંધીનગર તા. ૧૯ :.. યુવા શકિતના સામર્થ્યમાં વધારો કરવા કૌશલ્યવર્ધન, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના, મેગા જોબફેરનું આયોજન સરકારી સેવાઓમાં મોટાપાયે ભરતી, સ્ટાર્ટઅપ પોલીસી, વિદ્યાર્થીઓને ટયુશન ફી અને ભોજન બીલમાં સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચીંગ સહાય, પ્રતિભાવંત રમતવીરોને પુરસ્કાર જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમ શ્રી નીતિન પટેલે જણાવેલ હતું.

રાજયના યુવકોને સરકારી સેવાનો અને રોજગારનો અવસર મળે તે માટે સરકારી ભરતી પ્રક્રિયાને ખૂબ જ ઝડપી અને પાદર્શી બનાવીને છેલ્લા પાંચ વર્ષમાં ૧.ર૦ લાખથી વધુ યુવક-યુવતીઓને સરકારી નોકરી આપવામાં આવેલ છે.

યુવાઓને કૌશલ્ય અનુસાર રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતી મેળાનો અભિગમ અપનાવી, છેલ્લા પાંચ વર્ષમાં રોજગાર વિનીમય કચેરી દ્વારા ૧૭ લાખથી વધુ યુવકોને રોજગારી પુરી પાડવામાં આવી છે.

પ્રધાન મંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત વર્ષ ર૦ર૦ સુધીમાં રાજયનાં ૭૭,૮૦૦ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.

એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનાના વ્યાપને વિસ્તારવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના શરૂ કરવામાં આવેલ છે, ૧૬,૦૦૦ થી વધુ એકમોને એપ્રેન્ટીસ અધિનીયમ હેઠળ આવરી લઇ અત્યાર સુધીમાં ૭ર,૦૦૦ થી વધુ એપ્રેન્ટીસ કોન્ટ્રાકટ થયેલ છે. જેમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ છે. આ વર્ષે આ યોજના માટે રૂ. ર૭ર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આગામી વર્ષમાં આ યોજનાનો વેગ અવિરત રાખવામાં આવશે.

બાંધકામ શ્રમિકોને રોજીરોટી મેળવવા વહેલા ઉઠીને મજૂરીએ જવું પડે છે. આવા શ્રમિકોને ફકત રૂ. ૧૦ માં ભોજનની સુવિધા પુરી પાડતી શ્રમિક અન્નપુર્ણા યોજના અમલમાં છે. અત્યાર સુધીમાં ૮૭ લાખથી વધુ શ્રમિકોએ આ યોજનાનો લાભ લીધેલ છે.

(3:35 pm IST)