ગુજરાત
News of Tuesday, 19th February 2019

વિધવાઓને મહિને રૂ.૧૦૦૦ના બદલે ૧રપ૦ પેન્શનઃ લાભની શરતમાં છુટછાટ

પુત્રની ઉંમર ગમે તે હોય, વિધવાને પેન્શન મળવાપાત્ર

ગાંધીનગરઃ રાજય સરકારની મહિલાલક્ષી યોજનાઓની મદદથી મહિલાઓ સામાજીક આર્થિક અને શૈક્ષણીક રીતે સશકત થયેલ છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીન પટેલે ગૃહમાં જણાવ્યું હતું.

રાજય સરકાર દ્વારા દોઢ લાખ વિધવા બહેનોને માસીક રૂ. ૧૦૦૦ પેન્શન ચુકવવામાં આવે છે આ યોજના અન્વયે વિધવા બહેનના પુત્રની ઉંમર ર૧ વર્ષ થાય ત્યારે વિધવા પેન્શનની સહાય બહેનોને મળતી ન હતી. તેથી અનેક ગરીબ વિધવા બહેનોને પોતાનો જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી અનુભવવી પડતી હતી. આ ઉણપ દુર કરવા અમારી સંવેદનશીલ સરકારે નિર્ણય કર્યો છે કે પુખ્ત વયના પુત્રની શરત રદ કરવી. તેથી હવે લાભાર્થી વિધવા બહેનોના પુત્રની ઉંમર કોઇ પણ હોય તેમ છતા તેમને પેન્શન મળવાનું ચાલુ રહેશે.

લાભાર્થી વિધવા બહેનોને મદદરૂપ થવા પુખ્ત વયના પુત્રની શરત તો અમે દુર કરીએ જ છીએ. ઉપરાંત તેની સાથે આ વિધવા બહેનોને  અત્યારે મહિને રૂ. ૧૦૦૦ પેન્શન આપવામાં આવે છે. તેમાં રૂ. રપ૦નો વધારો કરી મહીને રૂ. ૧રપ૦ પેન્શન આપવામાં આવશે.

ઉપર્યુકત બન્ને વિધવા બહેનોલક્ષી નિર્ણયનો અમલ કરવાના કારણે રાજય સરકારને વાર્ષીક રૂ. ૩૪૯ કરોડનો ખર્ચ થશે. પરંતુ તેના થકી સવા બે લાખ વિધવા લાભાર્થી બહેનોને સ્વાભીમાન સાથે જીવવાનો આધાર મળશે.(૪.૧૪)

 

(3:30 pm IST)