ગુજરાત
News of Tuesday, 19th February 2019

રાજ્યમાં ૧૧૭૫ સ્થાનો ઉપર ૭૪૬૩ CCTV કેમેરા

ક્રાઈમ એન્ડ ક્રીમીનલ ટ્રેકીંગ નેટવર્ક સિસ્ટમમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ :નવી ૮ જેલો કાર્યરત કરાશેઃ કોન્સ્ટેબલોને હાલના કરતા મોટા આવાસ ફાળવાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૯ :. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ થયેલ છે. દેશવ્યાપી ક્રાઈમ અને ક્રીમીનલ ટ્રેડીંગ નેટવર્ક સીસ્ટમ પ્રોજેકટમાં ગુજરાતને પ્રથમ સ્થાન મળેલ છે. તેમ શ્રી નીતિન પટેલે જણાવ્યુ હતું.

વર્ષ ૨૦૧૩થી રાજ્યમાં કાર્યાન્વિત ઈ-ગુજકોટપમાં ૨૧ મોડયુલ્સ થકી તમામ કચેરીઓનું ઈન્ટીગ્રેશન થવાથી ગુના અને ગુનેગારોની તપાસની કાર્યવાહી સચોટ, ઝડપી અને કાર્યક્ષમ બની છે. આ પ્રોજેકટને એનસીઆરબી બેસ્ટ પ્રેકટીસ એવોર્ડ મળેલ છે.

જાહેર સ્થળોમાં નાગરિકોની સલામતી માટે સેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત રાજ્યના ૧૧૭૫ લોકેશન પર ૭૪૬૩ સીસીટીવી કેમેરા લગાડવામાં આવનાર છે. જેથી કોઈપણ ગુનો કરતા ગુનેગારો તરત જ દેખાઈ આવશે અને તેમના ઉપર કાર્યવાહી કરી શકાશે. સીસીટીવી લગાવવાથી ગુનાઓ ઉપર નિયંત્રણ આવશે.

છેલ્લા બે વર્ષમાં ૪ નવી જેલો કાર્યરત કરેલ છે અને બે સબ-જેલોને જિલ્લા જેલ તરીકે અપગ્રેડ કરવામાં આવેલ છે. ૮ જેલોનું બાંધકામ પ્રગતિમાં છે, જે પૈકી બે જેલો વર્ષ ૨૦૧૯-૨૦માં કાર્યરત કરવામાં આવનાર છે.

કોન્સ્ટેબલ માટે રહેણાંકના મકાનનો હાલનો કારપેટ એરિયા ૪૧ ચોરસ મીટરથી વધારીને ૫૦ થી ૫૫ ચોરસ મીટર અને પોલીસ સબ ઈન્સ્પેકટરના રહેણાંકના મકાનનો હાલનો કારપેટ એરિયા ૫૫ ચોરસ મીટરથી વધારીને ૬૦ થી ૬૫ ચોરસ મીટર કરવામાં આવેલ છે. જેનાથી પોલીસ કર્મચારીઓના પરિવારને વધુ સગવડયુકત કવાર્ટર મળશે અને પોલીસકર્મીની કાર્યક્ષમતામાં વધારો થશે.

વર્ષ ૨૦૧૮માં ૨૬ નાયબ પોલીસ અધિક્ષક વર્ગ-૧ તેમજ ૧૧૫ પોલીસ ઈન્સ્પેકટર વર્ગ-૨ની ભરતી કરવામાં આવેલ છે. પોલીસ દળમાં આગામી વર્ષમાં ૯,૭૧૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. જેમાં ૫૫૪ જેલ સિપાહીનો સમાવેશ થાય છે.(૨-૨૨)

 

(3:26 pm IST)