ગુજરાત
News of Tuesday, 19th February 2019

વીજ બીલના મુદલ,વ્યાજ,દંડ વગેરેમાં વન ટાઇમ માફી

જસદણની ચૂંટણી વખતે કરેલી જાહેરાતની યાદી તાજીઃ ૬.૭૪ લાખ ખેડૂતો સહિતના ગરીબોને લાભ મળશેઃ ૬૯૧ કરોડ માંડવાળ : છેલ્લા ૧૮ વર્ષમાં ૧૧ લાખથી વધુ વીજ જોડાણ અપાયાઃ બિનપરંપરાગત ઉર્જામાં ૧૯૭૦૦ મેગાવોટનો લક્ષ્યાંક

ગાંધીનગર તા.૧૯: વીજ વપરાશએ વિકાસનો એક અગત્યનો માપદંડ છે. રાજ્યનો માથાદીડ વાર્ષિક વીજ વપરાશ વર્ષ ૨૦૦૭-૦૮માં ૧૪૨૪ યુનિટ હતો, જે વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૦૦૭ યુનિટ થયો છે. સમગ્ર ભારતનો માથાદીઠ વાર્ષિક વીજ વપરાશ ૧૧૪૯ યુનિટ છે. આમ, માથાદીઠ વીજ વપરાશમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. તેમ બજેટ પ્રવચનમાં નીતિન પટેલે જણાવી નીચે મુજબ જાહેરાત કરી હતી.

સને ૧૯૬૦ થી ૨૦૦૧ સુધીના ૪૦ વર્ષમાં કુલ ૬.૯૪ લાખ કૃષિ વીજ જોડાણ અપાયા હતા, જ્યારે છેલ્લા ૧૮ વર્ષમાં ૧૧ લાખથી વધુ કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમામ કૃષિ વીજજોડાણો, ગ્રામ્ય વિસ્તારના તમામ રહેઠાણના વીજ જોડાણો, ગ્રામ્ય વિસ્તારના નાના ધંધાર્થીઓના કોમર્શિયલ વીજ જોડાણો અને શહેરી વિસ્તારના બીપીએલ વર્ગના રહેણાક વીજ જોડાણોના વીજ બીલના મુદ્લ, વ્યાજ અને પેનલ્ટીની તમામ બાકી રકમ માફ કરી દેવાનો નિર્ણય કરેલ છે. કરારિત વીજભારથી વધારે વીજ વપરાશ કરતાં તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કરતાં હોય તેવા ખેડૂતો તથા ગ્રાહકો ઉપર અનુક્રમે કલમ ૧૨૬ તથા કલમ ૧૩૫ મુજબ કેસ કરવામાં આવેલ છે, તેવા કેસોમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ વન ટાઇમ માફી યોજનાનો લાભ ૬.૭૪ લાખ ખેડૂત તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના વીજ ગ્રાહકોને મળશે. જૈની પાછળ રૂ.૬૯૧ કરોડના વીજ લેણાંી રકમ માંડવાળ કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૩માં ગુજરાતનું બિન પરંપરાગત ઊર્જાનું ઉત્પાદન ૪,૧૨૬ મેગાવોટ હતું.જે આજે ૭,૯૨૨ મેગાવોટ છે. જેને ૨૦૨૫ સુધીમાં ૧૯,૭૦૦ મેગાવોટ સુધી લઇ જવાનું આયોજન છે.

અત્યારે ખેડૂતોને વિદ્યુત બોર્ડ દ્વારા ઉત્પાદિત વીજળી તેમના ખેતરો સુધી લાંબી ગ્રીડલાઇનો દ્વારા પહોંચાડવામાં આવે છે. દુરથી વીજળી આવવાના કારણે લાઇન-લોસ થવાથી વીજળીનો વ્યય થાય છે, અને લાંબી લાઇનો હોવાથી તે તૂટવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. જેનાથી ખેડૂતો અને રાજ્યને નુકસાન થાય છે. રાજ્ય સરકાર દ્વારા મોટા સોલાર એકમો ઊભા કરવામાં આવી રહ્યા છે. અને તેની વીજળી ગ્રીડમાં મોકલવામાં આવે છે. સોલાર સિસ્ટમનો વધુ કાર્યક્ષમ લાભ લેવા માટે ખેડૂતોના ખેતરની નજીકમાં જ સોલાર સિસ્ટમ દ્વારા વીજળીનું ઉત્પાદન કરવામાં આવે અને તેમાં ખેડુતોની ભાગીદારી પણ ઉમેરવામાં આવે તો ખેડૂતોને વધારે વીજળી, સતત વીજળી અને ઓછા ખર્ચની વીજળી પ્રાપ્ત થઇ શકે છે આવુ કરવા માટે સુર્યશકિત કિસાન યોજના (સ્કાય) અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી ખેડૂતો વીજળીનું ઉત્પાદન કરે, ઉત્પાદિત વીજળીનો પોતે ઉપયોગ કરે, અને બાકીની વીજળી વિદ્યુત બોર્ડને વેચી શકે તેવું આયોજન છે. સ્કાચ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજનાના પહેલા વર્ષમાં જ પ્રાયોગિક ધોરણે ૨૦ ફીડર કાર્યાન્વિત કરેલ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં સરકારે વધુ ૧૦૦૦ ફિડરો રૂ.૩૬૦૦ કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવાનું આયોજન કરેલ છે. આગામી પાંચથી સાત વર્ષોમાં તબક્કાવાર સમગ્ર રાજયને આ યોજના હેઠળ આવરી લેવાનું આયોજન છે. આમ કરવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સિદ્ધ કરવામાં મદદ થશે.

ટ્રાન્સમિશન ઇન્ફાસ્ટ્રકચર અને જમીનના શ્રેષ્ઠ અને કાર્યક્ષમ ઉપયોગ થકી વિશાળ ગ્રિડ-કનેકટેડ સૌર ઊર્જા, પવન ઉર્જા અને હાઇબ્રીડ પાર્ક ઊભા કરવા માટે વીન્ડ સોલાર હાઇબ્રીડ પોલિસી જાહેર કરવામાં આવેલ છે. આવા પાર્ક માટે સરકારી પડતર જમીન ભાડાપટ્ટાથી ફાળવવાની નીતિ પણ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં ૨૭,૦૦૦ કિલોમીટર લંબાઇના ગેસ ગ્રીડ નેટવર્ક મારફત ૧૪.૫૦ લાખ ગ્રાહકોને PNG જોડાણ આપવામાં આવ્યા છે. તદુપરાંત, ૩૭૪ CNG સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે.(૭.૫૮)

(3:25 pm IST)