ગુજરાત
News of Tuesday, 19th January 2021

પીડિતા ફરી જવા છતાં દુષ્કર્મના આરોપીને ૧૦ વર્ષની કેદ

કોર્ટે પીડિતાને ૭ લાખ આપવા માટે જણાવ્યું : એકદમ મજબૂત પુરાવા હોઈ પીડિતાએ પોતાની સાથે કશું નથી થયું એવું કહેવા છતાં પણ કોર્ટે શખ્સને સજા ફટકારી

સુરત,તા.૧૯ : ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુનારનારા ૩૦ વર્ષના આરોપી સામેના કેસમાં પીડિતા અને તેની માતા ફરી ગયા છતાં આરોપીને સજા ફટકારવામાં આવી છે. આરોપી સામે ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ હેઠળ વલસાડમાં ગુનો નોંધાયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એમઆર શાહે રામચંદ્ર મિસ્ત્રી ઉર્ફે પાટીલ ગુનેગાર સાબિત થતાં તેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે પીડિતાને ૭ લાખ રુપિયા આપવા માટે પણ જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના સરકારી વકીલ એઆર ત્રિપાઠીએ કોર્ટને જણાવ્યું કે સાયન્ટિફિક પુરાવા અને કિશોરીની તપાસ કરનારા ડૉક્ટરના નિવેદનના આધારે યુવકને આરોપી સાબિત કરાયો હતો. કેસની વિગત પ્રમાણે ૧૪ માર્ચ ૨૦૧૭ના રોજ કિશોરી તેના ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી અને ૨ કલાક પછી મળી. તેણે પરિવારને જણાવ્યું નહીં કે તે ક્યાં ગઈ હતી. બીજા દિવસે તેના પરિવારના સભ્યોએ ફરીથી પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે મિસ્ત્રીએ તેના પર બળાત્કાર ગુજાર્યો છે.

પીડિતાએ જણાવ્યું કે મિસ્ત્રીએ એવું કહ્યું હતું કે તેના મિત્રો એના ઘરે રમી રહ્યા છે. આ પછી તે પીડિતાને ઘરે લઈ ગયો અને ઉપરના માળે લઈ જઈને ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્રિપાઠીએ જણાવ્યું કે, કેસની ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતાએ પોતાના સ્ટેટમેન્ટ બદલી નાખ્યા અને આવું કશું થયું જ નહીં હોવાનું જણાવ્યું. કાર્યવાહી દરમિયાન આ મોટો આંચકો હતો. પરંતુ મજબૂત સાયન્ટિફિક પુરાવા હોવાના કારણે ગુનો સાબિત થતો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પીડિતાના કપડા પર લોહીના ડાઘા હતા અને તપાસ દરમિયાન ડૉક્ટરનું નિવેદન લેવામાં આવ્યું હતું જેના કારણે ગુનો સાબિત થતો હતો. ત્રિપાઠી આગળ જણાવે છે કે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે માઈનોર સામે ગુનો થયો હોય અને તે પોતાનું નિવેદન ફેરવી તોળે તો મજબૂત પુરાવાના આધારે કાર્યવાહી કરાય છે. ડૉક્ટરોએ પણ જણાવ્યું હતું કે તેના પર બળાત્કાર થયો છે.

(9:34 pm IST)