ગુજરાત
News of Tuesday, 19th January 2021

અમદાવાદમાં બાઇક રોકીને માસ્‍કનો દંડ ભરવાનું કહેતા ઉશ્‍કેરાયેલી મહિલાએ પોલીસ જવાન સાથે ઝપાઝપી કરીઃ શર્ટનું ખિસ્‍સુ ફાડી નાખતા દંડ પેટે ઉઘરાવેલા રૂપિયા પડી ગયા

અમદાવાદ: શહેરના સાબરમતી-ત્રાગડ રોડ મુક્તિધામ પાસે માસ્કના મેમા ફાડવાની કાર્યવાહી કરતાં પોલીસ જવાનોએ બાઇક રોકી માસ્કનો દંડ ભરવાનું કહેતા ઉશ્કેરાયેલી મહિલાએ સોમવારે બપોરે પોલીસ જવાન સાથે ઝપાઝપી કરી તેમના શર્ટનું ખિસ્સુ ફાડી નાખ્યું હતું.

બનાવને પગલે માસ્કના દંડ પેટે કોન્સ્ટેબલે ઉઘરાવેલા રૂપિયા પડી ગયા હતા. મહિલાએ પોલીસને હાઇકોર્ટમાં ઢસડી જઈશ તેવી ચીમકી આપી હતી. સાબરમતી પોલીસે બેફામ બોલી તકરાર કરનાર મહિલા સહિત બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

સાબરમતી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજીવકુમાર રતન PCR વાન 21ના સ્ટાફ સાથે સોમવારે બપોરે માસ્કના દંડની કાર્યવાહી કરતા હતા. તે સમયે ગોદરેજ ગાર્ડન સિટી તરફથી આવતા બાઇક ચાલકે માસ્ક પહેર્યું હોવાથી પોલીસે બાઇક રોકી દંડ ભરવા જણાવ્યું હતું.

બાઇક ચાલકે તમે દૂર રહો અમારે નોકરી જવાનું મોડું થાય છે. પોલીસે દંડ ભરો જતા રહો તેમ જણાવતા મારી પાસે પૈસા નથી પછીથી દંડ ભરીશું. તે સમયે બાઇક પાછળ બેઠેલી મહિલાએ સંજીવકુમારને ધક્કો મારી મારે નોકરી જવાનું મોડું થાય છે તેમ કહ્યું હતું. દરમિયાન મહિલાનું ઉપરાણું લઈ બાઇક ચાલકે પણ ઝપાઝપી કરી હતી.

મહિલાએ સંજીવકુમારને શર્ટનું ખિસ્સુ ફાડી નાખતા બીજા પાસેથી ઉઘરાવેલા દંડના રૂપિયા 2 હજાર પણ ખોવાઈ ગયા હતા. બનાવ અંગે SHE ટીમને જાણ કરવામાં આવી હતી. મહિલાએ બધાને હાઇકોર્ટમાં લઈ જવાની ધમકી આપી કલમ 188 શું છે? અમે જાણીએ છીએ તેમ કહી માસ્કનો દંડ નહીં ભરીએ તેમ કહ્યું હતું.

પોલીસે મહિલા અને બાઈકચાલકને SHE ટીમની વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવી આરોપી આશિષ ભાનુકર કલ્યાણકર અને અંકિતા પટેલ (બન્ને રહે, ગોદરેજ ગાર્ડન સિટી, ચાંદખેડા) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(4:56 pm IST)