ગુજરાત
News of Tuesday, 19th January 2021

અમદાવાદમાં પરિણીતાને સાસરીયા દ્વારા ત્રાસઃ તું અમારા ઘરમાં સુટ થતી નથી, તને કામ કરતા આવડતુ નથી, તું કોઇને લઇને ભાગી કેમ જતી નથી તેવા કવેણ કહીને હેરાન કરતા હોવાની પોલીસ ફરિયાદ

અમદાવાદ: રામોલ વિસ્તારમાં ફેકટરી માલિક પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ સોમવારે સાંજે નોંધાવી છે. મહિલાને સાસરિયા તું અમારા ઘરમાં સુટ થતી નથી, તને કામ કરતા આવડતું નથી. તેમ કહી પરેશાન કરતા હતા. પતિ અને જેઠ તું કોઈને લઈને ભાગી કેમ નથી જતી? જેથી અમારો છૂટકારો થાય તેમ કહી મહિલાને ટોર્ચર કરતા હતા.

પોલીસ ફરિયાદ મુજબ, રામોલમાં હાથીજણ સર્કલ પાસે દેવકૃપા ડેવાઇનમાં રહેતી 33 વર્ષીય વૈશાલી પંચાલને લગ્નના 6 માસ બાદથી સાસરિયાએ મેણાં મારવાનું શરૂ કર્યું હતું. સાસુ સસરા કહેતા તું અમારા ઘરમાં સૂટ થતી નથી, કોઈ કામ આવડતું નથી અને તારો દેખાવ સારો નથી.

જ્યારે પતિ અને જેઠ વૈશાલી પર શંકા કરી તું ઘરમાં વસ્તુઓ ગાયબ કરી દે છે. તે અમારા દસ્તાવેજ ગાયબ કરી દીધા છે. તું કોઈને લઈને ભાગી કેમ નથી જતી? જેથી અમારો છુટકારો થાય તેમ કહી પતિ અને જેઠ વૈશાલીને ટોર્ચર કરતા હતા.

લિફ્ટ એસેસરીઝનું કારખાનું ધરાવતા પતિને તેના પિતા સાથે મન દુઃખ થતા અલગ રહેવા પત્નીને લઈ ગયો હતો. બાદમાં પિતા સાથે સમાધાન થઈ જતા સાસુ,સસરા અને જેઠને વૈશાલી વિરુદ્ધ ઉશ્કેરતો હતો.

પતિએ એકવાર વૈશાલીને ઘરમાંથી કાઢી મૂકતા સમાજ રાહે સમાધાન થયું હતું. જોકે પતિ સહિત સાસરીયામાં કોઈ સુધારો આવ્યો હતો. પતિ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો.

ગત તા.24-11-2020ના રોજ પતિએ સવારે 6 વાગ્યે ઉઠી ઝઘડો કરી વૈશાલીને કહ્યું કે, તું તારા મા બાપના ઘરે જતી રહે, તારું મોં જોવાથી મારો દિવસ બગડે છે. મને છૂટાછેડા આપી દે. મારે બીજા લગ્ન કરવા છે. પત્નીએ માતા-પિતાની સ્થિતિ સારી હોવાથી જવાની ના પાડતા પતિએ બે લાફા મારી દીધા અને પત્નીને પુત્ર સાથે તેના પિયરમાં મૂકી આવ્યો હતો.

આખરે વૈશાલીએ પતિ પિયુષ પંચાલ, સસરા રમેશ પંચાલ, સાસુ મંજુલા પંચાલ અને જેઠ હિતેષ પંચાલ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી છે.

(4:56 pm IST)