ગુજરાત
News of Sunday, 19th January 2020

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બે દુર્ઘટનામાં ૮ના મોત

બગોદરા પાસે ડમ્પર-કાર વચ્ચે દુર્ઘટના, ત્રણના મોત : સોમનાથ દર્શન કરવા નીકળેલા અમદાવાદના પરિવારનો લીંબડીના દેવપુરાની પાસે અકસ્માત : પાંચના કરૂણ મોત

અમદાવાદ, તા. ૧૯ : અમદાવાદ- રાજકોટ હાઈવે જાણે રક્ત રંજીત બન્યો હતો. આજે વહેલી સવારે બે કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજયા હતા, જેને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આજે વહેલી સવારે ચાર વાગ્યે લીંબડીના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના પાંચ લોકોનાં કરૂણ મોત નીપજયા હતા. તો, સવારે ૬ વાગ્યે બગોદરાના મીઠાપુર ગામના પાટિયા પાસે ઉભેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત નીપજયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષથી અમદાવાદ- રાજકોટ હાઈવે પર સીક્સ લેનનું કામ ચાલે છે. અનેક ડાયવર્ઝન અને નાના રોડના કારણે છાશવારે ગંભીર અને ગમખ્વાર અકસ્માત થઇ રહ્યા છે, તેને લઇને પણ લોકોએ રોષ ઠાલવ્યો હતો. રાજકોટ- સુરેન્દ્રનગર હાઈવે પરના લીંબડીના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના ૫ાંચ લોકોનાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અકસ્માતમાં બે બાળકો સહિતના ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અમદાવાદનો પરિવાર સોમનાથ દાદાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો.

            અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકોના મોત નીપજ્તાં લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. અમદાવાદનો આ પરિવાર કોણ છે તેની ઓળખ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી. બીજા અકસ્માતમાં બગોદરાના મીઠાપુર ગામના પાટિયા પાસે ઉભેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણ લોકોના મોત નીપજયા હતા, જેને લઇ બગોદરા હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. એકસાથે ત્રણના મોતને લઇ સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફરી વળી હતી. 

(9:22 pm IST)