ગુજરાત
News of Friday, 19th January 2018

૨૧મીએ ઓલ ઇન્ડિયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ ઇવકોન થશે

અમદાવાદ મેડિકલ વુમન ડોકટર્સ વીંગ દ્વારા આયોજનઃ દેશભરથી ૧૦૦૦થી વધુ મહિલા ડોકટરો કોન્ફરન્સમાં ભાગ લેશે : પૂર્વ મહિલા જજ યાજ્ઞિક વિશેષ હાજર રહેશે

અમદાવાદ,તા. ૧૯, દેશની મહિલા ડોકટરોના પરિપ્રેક્ષ્યમાં એક મહત્વની ઇવેન્ટમાં તા.૨૧મી જાન્યુઆરીના રોજ રવિવારે અમદાવાદ શહેરમાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે ઓલ ઇન્ડિયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ ઇવકોન-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસીએશનની વુમન ડોકટર્સ વીંગ દ્વારા આ રાષ્ટ્ર્ીય કક્ષાના મહિલા ડોકટર્સના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાં આશરે એક હજારથી વધુ મહિલા ડોકટરો ભાગ લેશે એમ અત્રે ઇવકોન-૨૦૧૮ના ચેરપર્સન ડો.મોના દેસાઇએ જણાવ્યું હતું. આ વખતની ઓલ ઇન્ડિયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ(ઇવકોન-૨૦૧૮)માં મુખ્ય થીમ જર્ની ઓફ ઇવ ટુ ઇ-વુમન રહેશે. મહિલા ડોકટર્સ માટે ખૂબ જ મહત્વની એવી આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧૦૦૦ મહિલા ડોકટરો ભાગ લેવા આવવાની છે, ત્યારે મહિલા ડોકટર્સની મુશ્કેલીઓ, તેમના પડકારો અને સામાજિક સમસ્યા સહિતના મુદ્દાઓ આ કોન્ફરન્સના કેન્દ્ર સ્થાને રહેશે. તો સાથે સાથે મહિલાઓના થતા શોષણ જેવા સામાજિક મુદ્દાઓ વિશે પણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. કોન્ફરન્સની મહિલા ડોકટર્સ દ્વારા આ મુદ્દે મહત્વનો ઠરાવ પસાર કરી ભારત સરકારના મહિલા અને બાળ સ્વાસ્થ્ય મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશકિતકરણ મંત્રાલય,દિલ્હીને મોકલી અપાશે. આ ઇવકોન-૨૦૧૮માં વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ અધ્યક્ષ ડો.કેતન દેસાઇ, મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો.જયશ્રીબહેન મહેતા, પૂર્વ પ્રિન્સીપાલ એન્ડ સેશન્સ જજ ડો.જયોત્સનાબહેન યાજ્ઞિક સહિતના મહાનુભાવો પણ આ કોન્ફરન્સ દરમ્યાન ખાસ ઉપસ્થિત રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જર્ની ઓફ ઇવ ટુ ઇ-વુમન થીમ પર યોજાનારી આ મહિલા ડોકટર્સની કોન્ફરન્સમાં એ મુદ્દાઓની પણ મહત્વની ચર્ચા થશે કે, પ્રાચીન ઇવથી આધુનિક ઇ-વુમનના રૃપાંતર દરમ્યાન મહિલાઓએ ઘણું બધુ મેળવ્યુ છે અને તેની કિંમત પણ ચૂકવી છે એટલે કે, ઘણું ગુમાવ્યું પણ છે.

આધુનિક ઇ-વુમને ઘણુ ગુમાવ્યું પણ છે અને તે છે માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય. વુમન ડોકટર્સ સમાજ અને તેના પરિવારજનો તેમ જ આડોશ-પાડોશ સહિતના તમામ લોકોની સેવા-સારવાર કરવા તત્પર રહે છે પરંતુ તેના પોતાના આરોગ્ય અને સ્વાસ્થ્યને લઇ તે જાણે-અજાણે બેદરકાર અને બેધ્યાન રહે છે, તેથી આ વિશે પણ વુમન ડોકટર્સને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. મહિલાઓના જીવનમાં વીટામીન ડીનું મહત્વ, ઓસ્ટીઓપોરોસીસ, આઇવીએફ, કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થામાં ભલામણ કરાયેલી વેકસીન્સ, ફેટીલીવરડિસીઝ, એસિડપેપ્ટીકડિસીઝ અને ઓબેસીટી, મહિલાઓમાં થતા રોગોમાં નોન સર્જિકલ ટ્રીટમેન્ટ ઓપશન્સ, કોસ્મેટોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધનો અને પેલ્વીકમેલીગનન્સના ક્ષેત્રમાં રોબોટીક સર્જ સબ કલીનીકલ હાઇપોથાઇરોઇડીઝમ જેવા વિષયોને પણ આ કોન્ફરન્સમાં આવરી લેવાયા છે.

(10:02 pm IST)