ડાન્સિંગ સ્ટાર ગોવિંદાના ૧૨ સોન્ગ્સ પર અમદાવાદમાં ૧૦ હજાર સ્ટુડન્ટ્સ કરશે ડાન્સ
વર્લ્ડ્સ લાર્જેસ્ટ બોલીવુડ ડાન્સ ઓન ગોવિંદા મેડલી પર બનાવશે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ
મુંબઇ તા.૧૯: બોલીવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદાના ૧૨ સોન્ગ્સ પર અમદાવાદમાં ૧૦ હજાર સ્ટુડન્ટ્સ એકસાથે ડાન્સ કરીને 'વર્લ્ડ્સ લાર્જેસ્ટ બોલીવુડ ડાન્સ ઓન ગોવિંદા મેડલી' પર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવશે.
કોરિયોગ્રાફર પ્રીતેશ નાયકે દાવો કરતાં કહ્યું હતું કે ભારતમાં સૌપ્રથમ વાર અમદાવાદમાં એકસાથે ૧૦ હજાર સ્ટુડન્ટ્સ બોલીવુડ ડાન્સ કરી રેકોર્ડ બનાવશે. ૩ થી ૧૧ ધોરણના સ્ટુડન્ટ્સ તેમ જ કોલેજના સ્ટુડન્ટ્સ ગોવિંદાના ૧૨ ગીતોની બે-બે લીટી પર એકસાથે ડાન્સ કરશે. હાલમાં વિવિધ સ્કૂલોમાં ૪૦ કોરિયોગ્રાફર સ્ટુડન્ટ્સને પ્રેકિટસ કરાવી રહ્યા છે. લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્ત્વિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ૨૦ જાન્યુઆરીએ અમદાવાદના પોલીસ-સ્ટેડિયમમાં યોજાશે. ગોવિંદાની નવી અને જૂની ફિલ્મોમાં ૧૨ ગીતો પસંદ કરવામાં આવ્યાં છે અને એ ગીતો પર સ્કૂલ સ્ટુડન્ટ્સ ડાન્સ કરશે ત્યારે ખુદ ગોવિંદા સ્ટેડિયમમાં હાજર રહેશે અને સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરશે.