ગુજરાત
News of Monday, 18th November 2019

નિત્યાનંદ આશ્રમનું ગુજરાત રાજ્યમાં રજિસ્ટ્રેશન જ નથી

સમગ્ર મામલે ડીઈઓને તપાસ સોંપવામાં આવી : ૩૦ બાળકો સાથે વન ટુ વન મિટિંગ કરી નિવેદનો લેવાયા

અમદાવાદ, તા. ૧૮ : હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમ અંગે એક પછી એક મોટા  ખુલાસા થઇ રહ્યા છે જેના ભાગરુપે ખુલાસાઓના સંદર્ભમાં તપાસનો દોર ચાલી રહ્યો છે. આશ્રમને લઇને હજુ પણ નવી વિગતો ખુલવાની શક્યતા છે. કારણ કે સંબંધિતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. આ મામલો વધુ ઉગ્ર અને ચર્ચાસ્પદ બન્યા બાદ તમામનું ધ્યાન ખેંચાયું છે. હવે એવો ખુલાસો થયો છે કે આ આશ્રમનું ગુજરાતમાં ક્યાંય રજિસ્ટ્રેશન જ થયું નથી. બેંગાલુરુના પરિવારની દીકરી ગુમ થઈ હોવા મામલે જિલ્લા વહીવટી તંત્રએ રિપોર્ટ તૈયાર કર્યો તેમાં આ ખુલાસો થયો છે. કલેક્ટર દ્વારા સમગ્ર મામલે સમાજકલ્યાણ અધિકારી અને ડીઇઓને તપાસ સોંપાઇ છે. ગુજરાત બહાર ક્યાંય રજિસ્ટ્રેશન થયું છે કે કેમ તેની તપાસ કરાશે. આશ્રમ ખાનગી જગ્યા પર ભાડા કરાર છે. આશ્રમમાં રહેતા ૩૦ બાળકોની સાથે વન ટુ વન મિટિંગ કરી તેમના અભિપ્રાય લેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ મહિલા આયોગ, બાળ આયોગ અને રાજ્ય સરકારને સોંપાયો છે અને હવે રાજ્ય સરકારના આદેશ બાદ આ મામલે આગળની કોઈ કાર્યવાહી કરાશે.

(8:34 pm IST)