ગુજરાત
News of Monday, 18th November 2019

નાઈરોબી કેન્યામાં સ્વામીબાપા ક્રિકેટ ટીમ સુપર લીગ મેચ ફાઈનલ વિજેતા :રાકેશ કહારીએ સદી ફટકારી

વિરમગામ : કેન્યા રાષ્ટ્રની રાજધાની નાઈરોબીમાં એનઆઈસીએલ  ક્રિકેટ સુપર લીગ મેચ ટુર્નામેન્ટનું ત્રણ મહિના સુધી આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટ મોમ્બાસા સિમેન્ટ અને હીરાની ટેલિકોમ દ્વારા આયોજીત કરવામાં આવી હતી. સ્વામીબાપા ક્રિકેટ ટીમ અને સર અલી મુસ્લિમ ક્લબ વચ્ચે જીમખાના નાઈરોબીમાં રમાઈ હતી. 

  નૈરોબી કેન્યામાં જે ટોપ લેવલની ક્રિકેટ કોમ્પિટિશન હોય છે, તેમાં સ્વામીબાપા ક્રિકેટ ટીમના ક્રિકેટરોએ એકેય મેચ હાર્યા વિના સતત અપરાજિત રહી અને છેલ્લે ફાઇનલ મેચ વિજેતા બન્યા હતા.સ્વામીબાપા ક્રિકેટ ટીમમાં રમતા રાકેશ કહારીએ ૧૦૨ રન ફટકારી સ્વામીબાપા ક્રિકેટ ટીમને ફાઇનલમાં  વિજેતા બનાવી હતી. હરીફ ક્રિકેટ ટીમ સર અલી મુસ્લિમ ક્લબને ૮૦ રનથી હરાવી હતી. આંતરરાષ્ટ્રીય જેમ્સ ગોયે ૩૪ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ભીમજીએ ૩૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

  સ્વામીબાપા ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન ડેવિડ ટીકોલોએ જણાવ્યું હતું કે, મારી લાઇન અપમાં સ્કોર બનાવવાની યોજના હતી અને મધ્ય ક્રમમાં તે બન્યું હતું. અમારું લક્ષ્ય આ લીગને જીતવાનું હતું અને અમે તે જ કર્યું.

  ફાઇનલ મેચ જીત્યા બાદ સ્વામીબાપા ક્રિકેટ ટીમના ખેલાડી ટ્રોફી લઈને શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ માટે ઉપસ્થિત રહ્યા હતા. અને સહુ કોઈ ક્રિકેટરો આશીર્વાદ અને પ્રસાદ પામ્યા હતા. આગામી ડિસેમ્બરમાં સ્વામીબાપા ક્રિકેટ ટીમના ૭ ખેલાડીઓ ઓમાન ક્રિકેટ મેચ રમવા માટે જવાના છે.

(6:49 pm IST)