ગુજરાત
News of Monday, 18th November 2019

વિસનગરમાં અંડરબ્રિજ નીચેની દીવાલો વરસાદના કારણે ધોવાઈ જતા ગાબડાં પડ્યા: સિમેન્ટની જગ્યાએ માટીથી ગાબડાં પૂરતા કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સામે આવી

વિસનગર:માં  એક અન્ડરબ્રીજની સંરક્ષણ દિવાલો વરસાદના કારણે ધોવાતા ગાબડા પડયા હતા. જે ગેરરીતિ બહાર આવતા રેલવે તંત્ર દોડતું થયું હતું. નવાઈની બાબત  છે કે સિમેન્ટથી ગાબડા પુરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરે માટીપુરાણ કરી ગેરરીતિ છુપાવવા વધુ એક ગેરરીતિ કરી હતી.

મહેસાણા, વડનગર બ્રોડગેજ લાઈનમાં વિસનગરમાં પીંડારીયા તળાવથી જોગણી માતાના મંદિર તરફના રોડ ઉપર બે અંડરબ્રીજ બનાવવામાં આવ્યા છે. જે અંડરબ્રીજની સંરક્ષણ દિવાલમાં કરવામાં આવેલ પથ્થર પીચીંગ વરસાદના કારણે ધોવાતા દિવાલમાં ગાબડા પડયા હતા. ટ્રેનની અવરજવરના કારણે વાઈબ્રેશન થતા પથ્થર પીચીંગ ઉપર સિમેન્ટના સાંધા ઉખડી ગયા હતા. દિવાલ ધોવાય તો બ્રીજની આરસીસીની દિવાલોને મોટું નુકસાન થાય તેમ છે. અંડરબ્રીજની દિવાલોમાં ગાબડા પડયા હોવાનો ગુજરાત સમાચારમાં અહેવાલ પ્રસિધ્ધ થતા આ ગેરરીતિ બહાર આવતા રેલવે તંત્ર દોડતું થયું હતું. રેલવેના કોન્ટ્રાક્ટરે તાત્કાલીક સંરક્ષણ દિવાલનું રીપેરીંગ હાથ ધર્યું હતું. પરંતુ નવાઈની બાબત છે કે ગાબડા પુરવા પથ્થર ઉખાડી નવેસરથી પીચીંગ કરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરે માટીપુરાણ કરી આ રેલવેની કામગીરીમાં થયેલી ગેરરીતિ ઢાંકવાનો પ્રયત્ન કર્યો છે. રેલવે અંડરબ્રીજની બાજુમાં બીજો એક નાનો અંડરબ્રીજ  બનાવવામાં આવ્યો છે.  જેમાં અત્યારે ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલું છે. આ વિસ્તારના પાલિકા સભ્ય ફુલચંદભાઈ પટેલ દ્વારા અંડરબ્રીજનું પાણી કાઢવા રેલવેના અધિકારીઓને જાણ કરવા છતાં અંડરબ્રીજમાંથી પાણી નહીં કાઢતા ખેડૂતોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે.

(5:45 pm IST)