ગુજરાત
News of Monday, 18th November 2019

સુરતના લીંબાયતમાં 3.57 લાખનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ન કરી વિશ્વાસઘાત કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના લીંબાયત મહાપ્રભુનગરમાં દિપ્તી ફેબ્રિક્સ નામની પેઢીમાંથી રૃ.3.57 લાખની મત્તાનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરવા ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર વેપારી વિરૃધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે.

પાલ રાજહંસ સિનેમાની સામે રાજહંસ કેમ્પસમાં રહેતા મેહુલ સુરેશચંદ્ર ગાંધી લીંબાયત મહાપ્રભુનગરમાં દિપ્તી ફેબ્રિક્સ અને માતંગી ટેક્સટાઇલ નામે કાપડનો ધંધો કરે છે. ગત એપ્રિલ માસમાં રીંગરોડ કિન્નરી સિનેમાની બાજુમાં મેટ્રો ટાવરમાં ગ્લોબલ ઇન્ટરનેશનલ નામે કાપડનો વેપાર કરતા અર્થ મનુભાઇ પટેલ (રહે. કોરલ હાઇટ્સ, સોમેશ્વર એન્કલેવ નજીક, અલથાણ-ભીમરાડો રોડ)એ પેમેન્ટ સમય મર્યાદામાં ચુકવી આપવાનો વાયદો કરી મે મહિનામાં દિપ્તી ફેબ્રિક્સ અને માતંગી ટેક્સટાઇલમાંથી કુલ રૃ.3.57 લાખનો માલ ખરીદ્યો હતો. પરંતુ તેનું પેમેન્ટ સમય મર્યાદામાં ચુકવ્યું ન હતું. ત્યાર બાદ અર્થ પટેલે મેટ્રો ટાવર ખાતેની દુકાન બંધ કરી અન્ય ઠેકાણે દુકાન શરૃ કરી દીધી હતી અને પેમેન્ટની ઉઘરાણી કરનાર મેહુલ ગાંધીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેથી મેહુલ ગાંધીએ અર્થ પટેલ વિરૃધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

(5:42 pm IST)