ગુજરાત
News of Monday, 18th November 2019

નિત્યાનંદ આશ્રમ કેસ : પીડિત પરિવારને અંતે સુરક્ષા અપાઈ

આશ્રમમાં રહેતા બાળકોની ઇનકેમેરા પુછપરછ થઇ : બાળ આયોગ તેમજ મહિલા આયોગની મામલામાં તપાસ

અમદાવાદ, તા. ૧૮ : નિત્યાનંદ આશ્રમ સર્વજ્ઞા પીઠમ તરફથી પીડિત પરિવારને મળી રહેલી ધમકીઓ હેઠળ હવે તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વામી નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમથી બે યુવતીઓ લાપત્તા થવાના મામલામાં તપાસનો દોર ચાલી રહ્યો છે. પીડિત પરિવારને મળી રહેલી ધમકીઓ હેઠળ સુરક્ષા આપવામાં આવી છે. બીજી બાજુ જિલ્લા વહીવટીતંત્ર, મહિલા પંચ અને બાળ પંચે સરકારને પોતાના રિપોર્ટ સોંપી દીધા છે. પોલીસે આશ્રમમાં રહેતા ૩૦ બાળકોની બંધ બારણે પુછપરછ કરી હતી. પીડિત પરિવારે આજે સોમવારના દિવસે હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કર્યા બાદ પોલીસને બંને પુત્રીઓની તલાશ કરીને કોર્ટની સમક્ષ ઉપસ્થિત કરવાની ફરજ પડશે. આ મામલામાં એક પછી એક વિગતો ખુલી રહી છે. દક્ષિણના વિવાદાસ્પદ ધાર્મિક ગુરુ નિત્યાનંદના અમદાવાદ સ્થિત આશ્રમમાં એક યુવતીને બાનમાં રાખવા અને તેમના માતા-પિતાને મળવા નહીં દેવાને લઇને સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળ આયોગના અધ્યક્ષ જાગૃત્તિ પંડ્યાને મામલાની તપાસ સોંપી હતી. બીજી બાજુ મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયા દ્વારા પણ તપાસ માટેના આદેશ કરવામાં આવ્યા છે. નિત્યાનંદ આશ્રમ સર્વજ્ઞા પીઠમ તરફથી ધમકીને લઇને સુરક્ષાનો મામલો સપાટી ઉપર આવ્યો છે.

(8:29 pm IST)