ગુજરાત
News of Monday, 18th November 2019

મહાત્મા ગાંધી વ્યકિત નહિ વિચારધારા છે, તેની યાદ ચિરસ્મરણીયઃ નીતિન પટેલ

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના કાર્યક્રમમાંં નાયબ મુખ્યમંત્રીનુ ઉદ્બોધન :વસ્ત્રાપુરથી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવતા રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વસ્ત્રાપુર વિસ્તારમાં મહાત્માં ગાંધીની સ્મૃતિમાં યોજાયેલ સંકલ્પયાત્રા પ્રસંગે નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, કૌશિક પટેલ,પ્રદીપસિંહ જાડેજા, જીતુ વાઘાણી, બિજલબેન પટેલ વગેરે હાજર રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર

ગાંધીનગર તા.૧૮: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે તેમના વિચારોને જીવંત રાખવાના ઉદ્દેશથી દેશના તમામ લોકસભા મતવિસ્તારોમાં ૧૫૦ કિલોમીટરની ગાંધી સંકલ્પયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના કેન્દ્રસમા વસ્ત્રાપુર તળાવ ખાતેથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગાંધી સંકલ્પયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ તકે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ વ્યકિત નહી, પણ એક વિચારધારા છે. કોઇ પણ વ્યકિત આપણને ૨૫ કે ૫૦ વર્ષ સુધી જ યાદ રહેતી હોય છે, પરંતુ પૂજ્ય મહાત્મા ગાંધીજીની યાદગીરી ચિરસ્મરણીય છે. નવી પેઢીમાં ગાંધીજીના વિચારો, કામગીરી કરવાની તેમની આવડત, દેશની આઝાદી માટે તેમણે આપેલા યોગદાન અને આઝાદી સમયે થયેલાં આંદોલનોની વિસ્તૃત માહિતી દેશના દરેક નાગરિક સુધી પહોંચે તે આ યાત્રાનો મુખ્ય હેતુ છે.

વસ્ત્રાપુર તળાવ ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રાને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પ્રસ્થાન કરાવ્યું હતું. વસ્ત્રાપુરથી જોધપુર ગામ સુધીની પાંચ કિલોમીટર લાંબી પદયાત્રામાં ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસૂલમંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, અમદાવાદ મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી બિજલબેન પટેલ તથા રાજકીય હોદ્દેદારો અને કાર્યકરો  બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

(3:44 pm IST)